ડેડબોડી વાનથી સ્મશાન સુધી મૃતદેહ પહોંચાડવા બે હજાર માગ્યા!
- મહામારીમાં ગેરલાભ ઉઠાવવા પ્રયાસ
- સ્ટેન્ડિંગ કમિટીમાં ગુલબાંગો પોકારાય છે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ક્રિયતા
અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
શહેરના સ્મશાનગૃહોમાં કોરોનાથી મોત થયા બાદ જયારે કોઈ ડેડબોડીને લઈ જવામાં આવે એ સમયે મ્યુનિ.દ્વારા ડેડબોડીને સ્મશાન સુધી પહોંચાડવા માટે પાંચ માણસ રાખવા જોઈએ.
એ રાખવામાં ન આવતા હોવાના કારણે શબવાહીનીમાંથી ડેડબોડીને નીચે ઉતારવામાં આવ્યા બાદ તેને સ્મશાન સુધી પહોંચાડવા માટે મૃતકોના સ્વજનો પાસેથી રકમ લેવામાં આવતી હોવાની ઘટના પ્રકાશમાં આવે છે.આવી જ એક ઘટના વિરાટનગર વોર્ડમાં બન્યાની વિગત બહાર આવી છે.
મળતી માહીતી અનુસાર,શહેરના વિરાટનગર વોર્ડમાં ઠકકરબાપાનગર બ્રીજ નીચે આવેલા સ્મશાનગૃહમાં બે દિવસ અગાઉ કોરોનાથી જેમનું મોત નિપજયુ હતુ એવા એક વ્યકિતના ડેડબોડીને શબવાહીની દ્વારા સ્મશાન સુધી પહોંચાડવામાં આવી હતી.
દરમિયાન ડેડબોડી સાથે માત્ર સ્ટ્રેચર બેરર જ હોઈ ડેડબોડીન શબવાહીની થી સ્મશાન સુધી પહોંચાડવા માટે કેટલાક લોકોે દ્વારા ત્યાં પહોંચી ડેડબોડીને સ્મશાન સુધી પહોંચાડવા માટે સ્મશાન સુધી પહોંચાડવા માટે બે હજાર રૂપિયા જેટલી રકમ માંગવામાં આવતા આ બાબત સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય ડોકટર ચંદ્રીકાબહેન ગાયકવાડ સુધી પહોંચી હતી.દરમિયાન સ્ટેન્ડીંગના સભ્યના કહેવા પ્રમાણે,તેમણે આ રકમ કોઈને પણ ના આપવાની ના પાડી હતી અને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
બીજી તરફ સ્ટેન્ડીંગ કમિટીની ગુરૂવારે મળેલી બેઠકમાં આ ઘટનાના પ્રત્યાઘાત પડતા ચેરમેને ડેપ્યુટી કમિશનરને તત્કાલ તપાસના આદેશ આપ્યા હતા.સ્ટેન્ડીંગ કમિટીમાં બેઠેલાં શાસકપક્ષના હોદ્દેદારો દ્વારા કરાતી વિકાસની ગુલબાંગોની વચ્ચે શહેરમાં આવેલા સ્મશાનગૃહોમાં પુરતી વ્યવસ્થા ન ગોઠવી શકાતા આ પ્રમાણેની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે.
સ્મશાનોમાં સી. સી. ટી. વી. કેમેરા જ બંધ હાલતમાં
લીલાનગર સ્મશાનમાં બનેલી ઘટના બાદ મ્યુનિ.હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેને મિડીયાને આપેલી પ્રતિક્રીયામાં કહ્યુ,શહેરમાં કુલ 24 સ્મશાનગૃહ છે.આ પૈકી 12માં સી.એન.જી.ભઠ્ઠી છે.કોરોનાથી જે લોકોના મોત થાય છે એમના અંતિમ સંસ્કાર સી.એન.જી.ભઠ્ઠીમાં જ કરવામાં આવે છે.આ વિધિ માટે કોઈ રકમ લેવામાં આવતી નથી.શહેરમાં આવેલા સ્મશાનગૃહ પૈકી મોટાભાગના સ્મશાનમાં સી.સી.ટી.વી.કેમેરા જ બંધ હાલતમાં હોવાની વિગત પણ બહાર આવવા પામી છે.