જેતલપુર અને જશોદાનગર પાસે અકસ્માતમાં બેના મોત : એક ગંભીર
બેફામ વાહનો હંકારવાથી અકસ્માતના બનાવો વધ્યા
જશોદાનગરમાં ડમ્પરે બાઇકને ટક્કર મારતા એકનું મોત રેલવે કર્મચારી ઘાયલ: જેતલપુરમાં કારની ટક્કરથી રાહદારીનું મોત
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અમદાવાદમાં જેતલપુરમાં કારની ટક્કરથી રાહદારીનું મોત નીપજ્યું હતુ જ્યારે જશોદાનગરમાં ડમ્પર ટ્રકની ટક્કરથી એકનું મોત થયું હતું અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ બન્ને વાહનના ડ્રાઇવરો ફરાર થઇ ગયા હતા.
આ કેસની વિગત એવી છે કે મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામમાં રહેતા અને અમદાવાદ વટવા ખાતે રેલવેમાં ડિઝલશેડમાં નોકરી કરતા મહેન્દ્રભાઇ.પી રાઠોડ ગઇકાલે રાતે સવા બાર વાગે નોકરીથી છૂટીને બાઇક લઇને જતા હતા આ સમયે બાઇક પાછળ તેમના મિત્ર દિનેશભાઇ બેઠેલા હતા, જ્યાં જશોદાનગર કેડિલા બ્રિજના છેડે પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકના ચાલકે પોતાના વાહનના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમવીને બાઇકને ટક્કર મારી હતી જેથી મહેન્દ્રભાઇને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જ્યારે દિનેશભાઇને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ બાદ ડમ્પર મુકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો, આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝને ડમ્પર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં પોલીસ કન્ટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે જેતલપુર બ્રિજ પાસે અજાણ્યા રાહદારીનુ અકસ્માતમાં મોત થયું હતું આ પ્રમાણેના મેસેજ આધારે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ ત્યાં પહોચીને તપાસ કરતાં રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા પુરુષને ટક્કર મારી ઇનોવા કારનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. પોલીસે કારનો નંબર મેળવીને તપાસ હાથ ધરી છે, આ બનાવમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ કારમાં છ જેટલા શખ્સો સવાર હતા લોકોએ તેઓને પકડયા પણ પોલીસે છોડી મુક્યા હોવાની શંકા સેવાઇ રહી છે. મધરાતે કરફ્યુ હોવા છતાં પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોધ્યો નથી પોલીસ ડ્રાઇવરને હાજર કરીને આ ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસો કરી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.