ડેટીંગ એપથી યુવતી બનીને આવેલા બે ટ્રાન્સજેન્ડરોએ યુવકને લૂંટી લીધો
યુવકે હિન્જ નામની ડેટીંગ એપ્લીકેશન પરથી સંપર્ક કર્યો
પાલડીમાં આવેલી હોટલમાં લઇ જઇને યુવતી તરીકે આવેલા ટ્રાન્સજેન્ડરે તેના સાથીને બોલાવીને રોકડ અને લેપટોપની લૂંટ કરીઃ એલિસબ્રીજ પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી
અમદાવાદ,ગુરૂવાર
દિલ્હીમાં રહેતો અને અમદાવાદમાં આવેલી કંપનીમાં કામ કરતા વ્યક્તિએ હિન્જ નામની ડેટીંગ એપ્લીકેશનથી અમદાવાદમાં એક યુવતીને મળવા માટે બોલાવી હતી અને તેને લઇને તે એક હોટલમાં ગયો હતો. જો કે હકીકતમાં તે યુવતી નહી પણ ટ્રાન્સજેન્ડર હતો અને તેણે તેના સાથીદાર સાથે મળીને યુવકને હોટલમાં નગ્ન કરીને તેની પાસેથી રોકડ અને કંપનીનું લેપટોપ લૂંટી લીધું હતું. આ અંગે યુવકે એલિસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. દિલ્હીમાં નોર્થ રહેતો ૪૨ વર્ષીય વ્યક્તિ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી જાણીતી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે દિલ્હીથી નોકરી માટે આવે ત્યારે પાલડી પાસે આવેલી એક હોટલમાં રહે છે. તેણે મોબાઇલમાં હિન્જ નામની એક ડેટીંગ એપ્લીકેશન ડાઉન લોડ કરી હતી. બુધવારે તેણે અમદાવાદ આવીને મેસેજ કર્યો હતો કે તે અમદાવાદ આવ્યો છે. જો કોઇને મળવું હોય તો તે આવી શકે છે. જેથી મીરા નામની યુવતીનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને તેણે હોટલ પાસે બોલાવી હતી. થોડા સમય સાથે વીતાવવાનું નક્કી કરીને તેણે એક રૂમ બુક કરાવ્યો હતો. જે રૂમમાં જતા યુવતીએ તેને નગ્ન કરી લીધો હતો અને અન્ય એક યુવતી પણ રૂમમાં આવી હતી. જેથી યુવક ગભરાઇ ગયો હતો અને બંને જણાએ તેના પર્સમાંથી રોકડ અને લેપટોપ લઇ લીધું હતું. જોકે યુવકે તેમને પકડવા જતા તેમણે કહ્યું હતું કે અમે ટ્રાન્સજેન્ડર છીએ અને તું અમારૂ નુકશાન નહી કરી શકે. તેમ કહીને બંને ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં યુવકે આ અંગે એલિસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હોટલના સીસીટીવી અને મોબાઇલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે.