આજે મ્યુનિ.નું ફાઇનલ બજેટ, પૂર્વ અમદાવાદીઓની આશા-અપેક્ષાઓની કસોટી

અમદાવાદ,તા.07 ફેબ્રુઆરી 2022, સોમવાર
પૂર્વ અમદાવાદના કોર્પોરેટરોએ મ્યુનિ.બજેટમાં પ્રાથમિક સુવિધાને લઇને લેખિતમાં અનેક સુધારાઓ રવિવારે મેયરના બંગલે યોજાયેલી બેઠકમાં સુચવ્યા હતા. સોમવારે કોર્પોરેટરોની રજૂઆતો, માંગો અંગે મોવડી મંડળે ઉંડાણપૂર્વક છાણવટ પણ કરી હતી. આજે મંગળવારે મ્યુનિ.નું ફાઇનલ બજેટ રજૂ થવાનું છે ત્યારે જોવું રહ્યું કે પૂર્વના કોર્પોરેટરોએ સુચવેલા સુધારા-વધારા ફાઇનલ બજેટમાં કેટલા સમાવાયા ? સમાવાયા કે પછી છેદ ઉડાવી દેવાયો ? પૂર્વના જનપ્રતિનિધીઓની વાત સાંભળવામાં આવી કે પછી નજરઅંદાજ કરાઇ ? જનતાનો અવાજ બનીને જનપ્રતિનિધી બની ફરતા કોર્પોરેટરોનું પક્ષમાં અને શાસનમાં કેટલું ચાલે છે તે પણ આજના બજેટમાં જોવા મળી જશે.
પૂર્વ અને પશ્ચિમનો ભેદ ભુલાવી દેવા માટેનું આ વર્ષનું બજેટ વાસ્તવમાં પૂર્વ અમદાવાદીઓની આશા-અપેક્ષાઓ પર ખરૂ ઉતરશે કે પછી નિરાશ કરશે. કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં પૂર્વને જે અપાયું છે તે સિવાય કોર્પોરેટરોની રજૂઆતો, માંગને ધ્યાને લઇને વધારાનું શું શું અપાશે ? તે પ્રશ્ન દરેક શહેરીજનના મનમાં ઉદભવી રહ્યો છે.
મંગળવારે મ્યુનિ.નું ફાઇનલ બજેટ રજૂ થવાનું છે ત્યારે મેયરે તેમના બંગલે રવિવારે કોર્પોરેટરોને બોલાવીને બજેટ સુધારા માટેના સુચના માંગ્યા હતા. પોતપોતાના વિસ્તારને બજેટમાં પ્રાધ્યાન્ય મળે તે માટે દરેક કોર્પોરેટરોએ લેખિતમાં સુચનો પણ કર્યા હતા.
પૂર્વ અમદાવાદના કોર્પોરેટરોએ નવા પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, હોસ્પિટલ, મ્યુનિ.શાળા, લાઇબ્રેરી, જિમ્નેશિયમ, , બગીચા, તળાવનો વિકાસ, રમતગમતના મેદાનો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવા માટેની માંગેનો સુધારા બજેટમાં સમાવી લેવા સુચનો કર્યા હતા.
હવે જોવું રહ્યું કે કોર્પોરેટરોની આ લેખિત માંગણીઓને ફાઇનલ બજેટમાં સમાવી લેવાય છે કે કેમ ? આજનું ફાઇનલ બજેટ પૂર્વને ન્યાય અપાવશે કે પછી ફરી પાછો અન્યાય કરશે તે ચર્ચા શહેરીજનોમાં થઇ રહી છે. શહેરના મેયર અને પક્ષના નેતા પૂર્વમાંથી આવે છે તે જોતા શહેરીજનોને આશા તો બંધાઇ છેકે પૂર્વ માટે આ બજેટમાં સારી એવી જોગવાઇઓ હશે.
પશ્ચિમ અમદાવાદમાં લાલ જાજમ, પૂર્વ અમદાવાદમાં ઓરમાયું વર્તન !
પૂર્વ અને પશ્ચિમનો ભેદ દુર કરવો જરૂરી બન્યો છે. તો જ અમદાવાદ સ્માર્ટસિટીને લાયક ગણાશે. પૂર્વમાં વર્ષોથી ડ્રેનેજ અને પાણીને લગતી પારાવાર સમસ્યાઓ પ્રવર્તી રહી છે. રોડ બિસ્માર પડયા છે. દબાણો થઇ ગયા છે. આયોજનોનો અભાવ જોવા મળે છે. સફાઇનું કામ વેઠ ઉતારાઇ જેવું છે.
પાયાની સુવિધાઓ માટે શહેરીજનોએ ધરણા-પ્રદર્શનો કરવા પડે છે. પાણી માટે માટલા ફોડીને મ્યુનિ.કચેરીઓ તોડફોડ કરવી પડે છે. રોડ ,સ્ટ્રીટલાઇટો માટે આવેદનપત્ર આપવા પડે છે. ચોમાસામાં તો પૂર્વ અમદાવાદ પાણીમાં ગરકાવ થયું હોય અને લોકો અસહાય , લાચાર બની ગયા હોય તેવું લાગે છે.
પૂર્વમાં એવા ઘણા વોર્ડ છેકે જ્યાં અર્બન હેલ્થ સેન્ટર નથી, લાઇબ્રેરી નથી, ગાર્ડન નથી, પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ નથી, શારદાબહેન, એલ.જી. સિવાયની કોઇ મોટી સારી હોસ્પિટલ પણ નથી. મેમ્કો, ખોખરા રમતગમત સંકુલ સિવાય બીજુ કોઇ મોટું રમત-ગમતનું મેદાન પણ નથી. તળાવ અવિકસીત પડયા છે.શહેરીજનોનું માનવું છેકે આના કરતા પૂર્વ અમદાવાદને અડીને આવેલા ગામડાઓમાં સારી એવી પ્રાથમિક સુવિધા છે.
શહેરમાં 16 માંથી 11 વિધાનસભા બેઠક પૂર્વ અમદાવાદમાં છે છતાંય અન્યાય કેમ ?
આ ચૂંટણી વર્ષ છે, વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાશે, મ્યુનિ.બજેટ પણ ચૂંટણીલક્ષી હશે તેવી આશા રાખવામાં આવી રહી છે. દરેક વિધાનસભાને બજેટમાં કંઇને કંઇ અપાશે કે જેના સહારે સત્તાધીશો પ્રજાજનો પાસે મત માંગવા જઇ શકે.
વટવા, નિકોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા વિધાનસભા પૂર્વ અમદાવાદમાં આવે છે. જ્યારે પશ્ચિમમાં ઘાટલોડિયા, વેજલપુર, એલિસબ્રિજ અને નારણપુરા મળીને ફક્ત ૪ વિધાનસભા આવે છે.
આમ શહેરમાં ૧૬ વિધાનસભામાંથી ૧૧ વિધાનસભા મતક્ષેત્ર પૂર્વ અમદાવાદમાં છે. છતાંય પૂર્વ અમદાવાદને અન્યાય કેમ ? શા માટે બજેટમાં અન્યાય કરાય છે. પ્રાથમિક સુવિધા માટે લોકોએ વંચિત રહેવું પડે છે. શા માટે સ્માર્ટ સિટીના ફળ ચાંખવા મળતા નથી. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે હવે જોવું રહ્યું કે મ્યુનિ.સત્તાધારી પક્ષ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને પૂર્વને ન્યાય કરે છેકે પછી મતદારોનો વિશ્વાસ ગુમાવે છે ?




