વડોદરામાં NA હુકમોના ત્રણ લાખ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે
જ્યાં જમીન NA થશે ત્યાં નમૂના-૭નું પેજ બંધ ઃ સિટિ સર્વે કચેરીઓમાં ખાસ ઝુંબેશ શરૃ
વડોદરા, તા.3 ફેબ્રુઆરી, સોમવાર
ગામતળ કે સિટિ સર્વે બહારના વિસ્તારમાં જમીન એનએ થતાની સાથે જ હવે પ્રોપર્ટીકાર્ડ પણ તુરંત તૈયાર થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે અગાઉ એનએ થયેલી હોય તેવી જમીનોના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની કામગીરી એક ઝુંબેશના ભાગરૃપે શરૃ કરી દેવામાં આવી છે. ટુંકમાં જ્યાં જમીન એનએ થઇ જશે ત્યાં નમૂના-૭નું પેજ બંધ કરી દેવાશે.
ગામતળ કે સિટિ સર્વે બહારના વિસ્તારોમાં જ્યાં જમીનનું બિનખેતી એટલે કે એનએમાં રૃપાંતરણ થયુ હોય તેવી મિલકતોનું પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાતા નવા ડેવલપ થતા વિસ્તારમાં નાગરીકોને માલિકીપણાનો સીધો પુરાવો ઉપલબ્ધ પણ થશે. એનએના હુકમો તથા ઇ-ધરાના ડેટાબેઝનો ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં શરૃ કરી દેવામાં આવી છે. વડોદરામાં લેન્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધી ૧૭ હજારથી વધુ એનએના હુકમના આધારે પ્રોપર્ટીકાર્ડ બનાવવામાં આવ્યા છે.
એનએની પરવાનગી આપતી કચેરીઓમાંથી દૈનિક હુકમો મેળવી તેના પ્રોપર્ટીકાર્ડ બનાવવાની કામગીરી સિટિ સર્વે કચેરીઓમાં હાથ ધરવામાં આવી છે. આ માટે રોજ ડેટા એન્ટ્રી થઇ રહી છે. વુડા તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિગ વિભાગમાંથી એનએ હુકમો તેમજ બીયુ પરમિશનની વિગતો મેળવી જે-તે જમીનના પ્રોપર્ટીકાર્ડ બનાવવામાં આવી રહ્યા છે તેમ સિટિ સર્વે નાયબ નિયામક એ.જે. નાંદેયે જણાવ્યું હતું.
સિટિ સર્વે કચેરી પોતે રેકોર્ડસ મેળવીને આ કામગીરી એક ખાસ ઝુંબેશના ભાગરૃપે કરી રહી છે પરંતુ જો લોકો પણ સહકાર આપીને વ્યક્તિગત રીતે પણ ડોક્યુમેન્ટ પુરા પાડે તો પ્રોપર્ટીકાર્ડ બનવાની કામગીરી વધુ ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ છે. નાગરીકો જાતે પણ સિટિ સર્વે કચેરીમાં જઇને રજૂઆત કરી શકે છે. જાન્યુઆરી મહિનાના પ્રારંભથી શરૃ થયેલી આ ઝુંબેશ માર્ચ માસ સુધી ચાલવાની છે અને ત્રણ લાખ જેટલા પ્રોપર્ટીકાર્ડ બનાવવાનું ટાર્ગેટ વડોદરાની કચેરીને આપવામાં આવ્યું છે.