Get The App

આદિવાસીઓએ સાચવી રાખેલી હજારો વર્ષ જૂની ચિત્ર પરંપરા 'વર્લી' હવે જોખમમાં

ગુજરાતના વાપી અને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારના આદિવાસીઓએ આ પ્રાચિન કળાનો વારસો સાચવી રાખ્યો છે

Updated: May 3rd, 2023

GS TEAM

Google News
Google News
આદિવાસીઓએ સાચવી રાખેલી હજારો વર્ષ જૂની ચિત્ર પરંપરા 'વર્લી' હવે જોખમમાં 1 - image

વડોદરા : હજારો વર્ષ પહેલા આદિ માનવ જ્યારે જંગલોમાં ગુફાઓમાં રહેતો હતો ત્યારે પણ તે કલાનો શોખીન હતો. ખાસ કરીને આદિ માનવને ચિત્રકળામાં વિશેષ રૃચી હતી એવુ આ પૃથ્વી પર અમેરિકાથી જાપાન સુધી જંગલો, પહાડો, શિલાઓ અને ગુફાઓમાંથી મળી આવેલા હજારો વર્ષ જૂના ચિત્રો પરથી ફલીત થાય છે. આવી જ એક ચિત્રકળા છે 'વર્લી'. 

મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તાર પાલઘરથી ગુજરાતની સરહદ પાર વાપી સુધીના વિસ્તારમાં 'વર્લી' સમુદાયના આદિવાસીઓનો વસવાટ છે. આ આદિવાસીઓ હજારો વર્ષથી અહી રહે છે અને મહત્વની વાત એ છે તે તેઓએ તેમની પરંપરાગત ચિત્રકળાને હજુ સુધી સાચવી રાખી છે. વર્લી સમુદાયના આદિવાસીઓ આ ચિત્રો બનાવતા હોવાથી તે 'વર્લી આર્ટ' નામથી પ્રસિધ્ધ કળા બની છે. 

વડોદરા આવેલા પરંપરાગત વર્લી કલાકારોનું કહેવું છે કે હવે માંડ ૧૦૦થી ૧૫૦ કલાકારો બચ્યા છે, વડોદરામાં તા.૧૦ મે સુધી એક્ઝિબિશન જોઇ શકાશે

આદિવાસીઓએ સાચવી રાખેલી હજારો વર્ષ જૂની ચિત્ર પરંપરા 'વર્લી' હવે જોખમમાં 2 - imageપ્રાચિન વારસો : વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલ સર્જન આર્ટ ગેલેરી ખાતે તા.૧૦મી મે સુધી હજારો વર્ષ પ્રાચીન ચિત્ર પરંપરા વર્લી આર્ટનું પ્રદર્શન નિઃશુલ્ક નિહાળી શકાશે. તસવીરમાં વર્લી આર્ટની ચિત્રકળા સાથે વર્લી સમુદાયના કલાકારો નરેશ શંકર ભોય અને નિલેશ રાજડ નજરે પડે છે (તસવીર : ચંદનગિરિ)


પાલઘર જિલ્લાના કલસરી તાલુકામાં આવેલા નાનકડા ગામ કુરઝેમા રહેતા વર્લી આર્ટના  બે કલાકારો નરેશ શંકર ભોયે અને નિલેશ રાજડ વડોદરામા આવ્યા છે. બન્ને કલાકારોનું કહેવુ છે કે 'હજારો વર્ષથી આ કળા અમારા સમુદાયે સાચવી રાખી છે. તેનું કારણ એ છે કે અમારા માટે આ કળા એ માત્ર કળા નથી પરંતુ અમારા કુળદેવીઓ, આરાધ્ય દેવીઓ પાલઘટ અને કંસરીને રિઝવવા માટેનું માધ્યમ છે. જો કે હવે માંડ ૧૦૦ થી ૧૫૦ આર્ટિસ્ટ જ બચ્યા છે એટલે આ કળાને બચાવવા માટે સરકારે યોગ્ય પગલા લેવા જોઇએ'

ઉલ્લેખનીય છે કે પરંપરાગત અને આધુનિક વર્લી ચિત્રોનું પ્રદર્શન અલકાપુરી સ્થિત સર્જન આર્ટ ગેલેરી ખાતે તા.૧૦મી મે બુધવાર સુધી રોજ સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી નિઃશુલ્ક જોવા મળશે. ગેલેરીના સંચાલક હિતેશ રાણાએ કહ્યું હતું કે 'વડોદરાના લોકો ખાસ કરીને બાળકો અને કિશોરો વર્લી આર્ટથી પરિચીત થાય તે માટે વેકેશનના સમયમા જ અમે આ પ્રદર્શનનું આયોજન કર્યુ છે અને તેના મુળ કલાકારોને પણ અહી બોલાવ્યા છે જેથી લોકો તેની સાથે સંવાદ પણ કરી શકે. બન્ને આર્ટિસ્ટો તા.૪ મે ગુરૃવાર સુધી જ ગેલેરી પર મળી શક્શે

કુળદેવીઓ પાલઘટ અને કંસરી દેવીને રિઝવવા લગ્ન પ્રસંગે અને ખેતરમાં પાક સારો આવે તે માટે 'ચોક' બનાવાય છે 

આર્ટિસ્ટ નરેશ ભોયે કહે છે કે 'વર્લી સમુદાયમાં 'ચોક' બનાવ્યા વગર લગ્ન પ્રસંગ થતો જ નથી. જે ઘરમા લગ્ન હોય તે વર અને કન્યા બન્નેના ઘરની છાણ-માટીથી લેપેલી દિવાલ ઉપર ચોખાના લોટથી મંદિર આકારનું ચિત્ર બનાવાય છે જેને 'ચોક' કહેવામાં આવે છે.  આ ચોકના મધ્યમાં પાલઘટ અથવા તો કંસરી દેવી અને વર કન્યાનું ચિત્ર હોય છે. આ દેવીઓ દંપતિને સંતાન પ્રાપ્તિ માટે અને વંશવેલો આગળ વધારવા તથા ખેતીમાં સારો પાક થાય તેવા આશીર્વાદ આપે છે.

આદિવાસીઓએ સાચવી રાખેલી હજારો વર્ષ જૂની ચિત્ર પરંપરા 'વર્લી' હવે જોખમમાં 3 - imageતારપા નૃત્ય અને ચોકનું ચિત્ર

આ ઉપરાંત દિવાળી ઉપર અને ખેતીમાં સારો પાક-ઉપજ થાય ત્યારે ખાસ પ્રકારનુ નૃત્ય કરવામાં આવે છે જેને તારપા નૃત્ય કહે છે. વચ્ચે તારપા એટલે કે બ્યુગલ જેવુ વાંજિત્ર વગાળનાર હોય અને તેને ફરતે વર્તુળમાં મહિલા અને પુરૃષો નૃત્ય કરતા હોય છે. આ તારપા નૃત્યનું ચિત્ર પણ વર્લી આર્ટનો મહત્વનો હિસ્સો છે આમ આ ચિત્રકળા અમારા રીત રીવાજનો હિસ્સો હોવાથી આજ સુધી બચી રહી છે. 

અગાઉ વિવાહિત મહિલાઓને જ 'ચોક' બનાવવાનો અધિકાર હતો

આર્ટિસ્ટ નિલેશ રાજડનું કહેવું છે કે 'પરંપરાગત રીતે વર્લી ચિત્રો અમારા સમાજની વિવાહિત મહિલા જ બનાવે છે કેમ કે અમારા સમાજમાં વિવાહિત મહિલાને સૌભાગ્ય માનવામાં આવે છે પરંતુ વર્ષ ૧૯૭૫ બાદ આ પરંપરા બદલાઇ છે અને હવે મહિલા, પુરૃષો, યુવાઓ, યુવતીઓ, છોકરાઓ અને છોકરીઓ કોઇ પણ કરે છે. હવે તો આ કળાના અમારા સમાજના યુવા-યુવતીઓ માટે રોજગારીનું માધ્યમ પણ બન્યુ છે. મોટા શહેરોમાં પણ હવે તો લગ્ન પ્રસંગે ઘરમાં વર્લી ચિત્રો બનાવવા માટે અમને આમંત્રણ મળે છે.