વડોદરાની બેન્કો અને હોસ્પિટલોમાંથી લેડિઝ પર્સ અને મોબાઇલ ઉઠાવતો ચોર પકડાયો
વડોદરા,તા.7 ફેબ્રુઆરી,2020,શુક્રવાર
શહેરના વિવિધ વિસ્તારોમાં બેન્કો અને હોસ્પિટલોમાં ફરીને મોબાઇલ ફોન તેમજ લેડિઝ પર્સની ઉઠાંતરી કરતા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
ફતેગંજ સદર બજાર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસએમ ભરવાડ અને સ્ટાફે સંદિપ હરિદાસ બલવાની (રહે.સુખાશ્રય એપાર્ટમેન્ટ, સદરબજાર, ફતેગંજ મૂળ રહે.ભોપાલ, એમ.પી.)ને ઝડપી પાડી તપાસ કરતાં તેની પાસેથી ત્રણ ફોન મળી આવ્યા હતા.
પોલીસે બાઇક વિશે પૂછતાં કાગળો મળ્યા નહતા અને તપાસ કરતાં સંદિપે આ બાઇક હિંમત નગર બસ ડેપો પાસેથી ચોરી હોવાની અને બાઇક લઇ વડોદરા આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.આ ઉપરાંત મોબાઇલ ફોન પણ અલકાપુરીની આઇડીબીઆઇ બેન્કમાંથી ઉઠાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
ચોરની પૂછપરછમાં સમા-સાવલી રોડની હાર્ટની હોસ્પિટલ,ફતેગંજની બરોડા બેન્ક, એસએસજી હોસ્પિટલ અને હરણીની સ્ટેટ બેન્કમાંથી પાંચ પર્સની ઉઠાંતરી કરી હોવાની વિગતો બહાર આવી છે.જ્યારે બીજા પણ બે સ્થળે મોબાઇલ ઉઠાવ્યાની વિગતો ખૂલી છે.માંજલપુર અને રાવપુરામાં અગાઉ નોંધાયેલા બે ગુનામાં પણ તેની સંડોવણી હોવાનું ખુલતાં પોલીસે પૂછપરછ કરી છે.