કંડારી સ્વામીનારાયણ ગુરુકુલમાં ત્રાટકેલા તસ્કરો ઃ ૨.૫૩ લાખની ચોરી
શિક્ષણ વિભાગની ઓફિસની ત્રણ તિજોરી અને ટેબલના ડ્રોઅરનો સામાન વેરવિખેર કરી નાંખ્યો
વડોદરા તા.3 ફેબ્રુઆરી, સોમવાર
કરજણ હાઇવે પર કંડારી ગામ નજીક આવેલા સ્વામીનારાયણ ગુરુકુલમાં ત્રાટકેલી તસ્કર ટોળકી વહિવટી ઓફિસની તિજોરીમાં મુકેલી રૃા.૨.૫૩ લાખની મત્તા ઉઠાવી ગઇ હતી. તસ્કરોએ સ્વામીજીની રૃમમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના રારોદ ગામના મુળ વતની સુમન હસમુખભાઇ પટેલ કંડારી ખાતેના શ્રી સ્વાનીનારાયણ ગુરુકુળમાં શિક્ષણ વિભાગમાં સંચાલક તરીકે ફરજ બજાવે છે. રવિવારે રજા હોવાથી તેઓ ઘેર હતા ત્યારે ગુરુકુલના ગૃહપતિનો ફોન આવ્યો હતો કે શિક્ષણ વિભાગની વહિવટી ઓફિસના આગળના દરવાજાનું ઇન્ટરલોક તુટેલું છે તેમજ સ્વીમીજીને બેસવાની બીજી રૃમનો દરવાજો પણ ખુલ્લો છે બંને રૃમોમાં સામાન વેરવિખેર પડયો છે.
ચોરીની જાણ થતાં સુમનભાઇ તુરંત ગુરુકુલ આવી પહોંચ્યા હતા અને વહિવટી ઓફિસમાં ત્રણ તિજોરીમાં મુકેલ જુદા જુદા હિસાબોની રોકડ રકમ રૃા.૨.૫૩ લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત સ્વામીજીની રૃમમાં પણ સામાન વેરવિખેર હતો. આ અંગે સુમનભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.