વડોદરા: અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં રહેતા સુરતના ચેરિટી કમિશનરના મકાનમાં ચોરી
વડોદરા, તા 8 ફેબ્રુઆરી 2020, શનિવાર
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી ઓફિસ કોલોનીના બંધ મકાનમાં ત્રાટકેલા ચોરો દાગીના ઉઠાવી ગયા હતા.
અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં રહેતા અને સુરતમાં સંયુક્ત ચેરિટી કમિશનર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભાઈ વ્યાસ ગઈ તા. 31મીએ મકાન બંધ કરી સુરત ગયા હતા. તેમના મકાનનું તાળું તૂટતા છોડને પાણી પીવડાવવા આવતા બહેને તેઓને જાણ કરી હતી.
રાજેન્દ્ર ભાઈ અને તેમના પત્ની વડોદરા આવી ગયા હતા અને તપાસ કરતા મકાનનું તાળુ તોડી ત્રાટકેલા ચોરોએ ઘરનો સામાન વેરવિખેર કરી દીધો હોવાનું અને ચાંદીના સિક્કાઓ, સોનાની ચેન, વીંટી તેમજ ચાંદીની અન્ય ચીજો મળી રૂ.પોણો લાખની મતા ઉઠાવી ગયા હોવાનું જણાઈ આવતા સયાજીગંજ પોલીસને જાણ કરાઇ હતી.