રૃા.૪૦ લાખમાં જમીનનો સોદો કરી વિધવાને રૃા.૧૧લાખના ચેક પધરાવ્યા
વડોદરાની મહિલા સહિત ત્રણ ભેજાબાજો સામે આખરે છેતરપિંડીની ફરિયાદ
કરજણ તા.૩૦ જાન્યુઆરી, ગુરૃવાર
કરજણ તાલુકાના દેથાણ ગામે ગણોતધારાની સંયુક્ત ખાતાની વાલ્મિકી સમાજની વિધવાની જમીન વડોદરાના બે શખ્સો સહિત ત્રણ વ્યક્તિએ પડાવી લઇ ઓછી રકમના ચેક આપ્યા હતાં. આ અંગે વિધવાએ કરજણ પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી નહી થતા આખરે આઇજીને કરાયેલી રજૂઆત બાદ પોલીસે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે.
આ અંગેની વિગત એવી છે કે દેથાણ ગામે હરિજનવાસમાં રહેતી ગંગાબેન છોટાભાઇ હરિજન ગામમાં સંયુક્ત ખાતે જમીન ધરાવે છે. આ જમીન ગણોતધારા તેમજ સરકારી પડતરના હેડવાળી સત્તાપ્રકારની હોવાથી વેચાણ થઇ શકે તેમ ના હોવા છતાં દર્પિણાબેન કાન્તીભાઇ પટેલ (રહે.હસ્તીનાપુર સોસાયટી, કારેલીબાગ, વડોદરા) અને વિપુલ જમનાદાસ પટેલ (રહે.સામ્રાજ્ય એક્ષટેન્શન, મુજમહુડા, વડોદરા)એ સંપર્ક કરી ગંગાબેનના બે પુત્રોને વડોદરા તેમની ઓફિસે બોલાવી જમીનનો ઉચ્ચક સોદો કરી રૃા.૪૦ લાખ નક્કી કર્યા હતાં.
બાદમાં વેચાણ લેનાર કરજણ આવ્યા હતા અને બાના પેટે રૃા.૧ લાખ આપી તા.૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ કરજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કર્યા હતાં. આ સમયે વકીલ જુગલબેન પટેલે જમીનની નક્કી કરેલી રકમ રૃા.૪૦ લાખના૧૫ ચેક આપ્યા હતાં. આ ચેકો જમા કરાવવા ગંગાબેન બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે ચેકોની કુલ રકમ રૃા.૪૦ લાખ નહી પરંતુ રૃા.૧૧.૬૨ લાખ હતી તેમજ ચેકો પણ એક વર્ષ જુના હોવાથી તે ચાલી શકે તેમ નથી.
બાદમાં ગંગાબેને કરજણના પીઆઇ સમક્ષ ફરિયાદ કરી હતી પરંતુ ફરિયાદ સાંભળવાના બદલે દસ્તાવેજ થઇ ગયો છે હવે તમારુ કાંઇ ચાલે તેમ નથી તેમ કહી વિધવાને તગેડી મુકાઇ હતી. છેલ્લા ચાર માસથી વિવિધ કચેરીના દરવાજા ખખડાવ્યા બાદ આખરે વિધવાએ આઇજીને રજૂઆત કરતા આઇજીના હુકમના આધારે કરજણ પોલીસે ત્રણે ભેજાબાજો સામે ફરિયાદ દાખલ કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે જમીન વેચાણ રાખ્યા બાદ એ જ દિવસે વેચાણ એન્ટ્રીની નોંધ પડાવી દીધી હતી પરંતુ વિવાદ અરજી થતા મામલતદારે બંને પક્ષોની દલીલો સાંભળી વેચાણ એન્ટ્રી પણ નામંજૂર કરી હતી.