ધો. 9થી 12ની એકમ કસોટીના પેપરો બોર્ડે ઓનલાઈન મુક્યા
- વિરોધ બાદ બોર્ડે છુટછાટો સાથે પરિપત્ર કર્યો
- પરીક્ષા આયોજનની નવી જોગવાઈઓ : વિદ્યાર્થી હવે જવાબ નોટબુક સોફ્ટ કોપીમાં મોકલી શકશે
અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
રાજ્ય સરકારની સૂચનાથી શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં ધો.3થી12માં લેવાનાર એકમ કસોટી અંતર્ગત હવે 10મી સુધી પરીક્ષા લેવાની છુટ અપાઈ છે અને આજે બોર્ડે પરીક્ષાના નિયમોમાં છુટછાટ સાથે નવો પરિપત્ર કર્યો છે.જે મુજબ હવે સ્કૂલો પણ વિદ્યાર્થી પાસેથી નોટુબક સોફ્ટ કોપીમાં મંગાવી શકશે.જ્યારે પેપરો વેબસાઈટ પર પણ મુકાયા છે.
શિક્ષણ વિભાગે 29થી30મી સુધી રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં કોમન એકમ કસોટીનું આયોજન કર્યુ હતુ અને જે અંતર્ગત શિક્ષકોને પ્રશ્નપત્ર ઘરે ઘરે પહોંચાડવા તેમજ વિદ્યાર્થી-વાલીને જવાબોની નોટબુક કે આન્સરશીટ સ્કૂલે પહોંચતી કરવા સૂચનાઓ અપાઈ હતી.
પરંતુ કોરોનાને પગલે સ્કૂલોએ એકમ કસોટી સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.જેને પગલે સરકારની સૂચનાથી બોર્ડે આજે છુટછાટો સાથે નવો પરિપત્ર કર્યો છે.બોર્ડ દ્વારા ધો.9થી12ના વિવિધ વિષયોના એકસ કસોટીના પ્રશ્નપત્ર ઓનલાઈન બોર્ડની વેબસાઈટ પર મુકી દેવાયા છે.જેથી વિદ્યાર્થી-વાલી ડાઉનલોડ કરી શકશે અને પરીક્ષા આપી શકાશે.
આ ઉપરાંત શિક્ષકે ઘરે ઘરે ફરજીયાત પેપર આપવા જવાની જરૂર નથી હવે સોફ્ટ કોપીમાં પણ પહોંચાડી શકાશે.જયારે સ્કૂલોઅને વિદ્યાર્થીને પણ રાહત આપતા જવાબો લખાયા બાદ નોટબુકની કોપી હાર્ડ કોપી અથવા સોફટ કોપીમાં પણ મોકલી શકાશે.'
આચાર્યોને ઉત્તરોની કોપી શક્ય હોય ત્યાં સુધી સોફ્ટ કોપીમાં મંગાવવા સૂચના અપાઈ છે.દરેક સ્કૂલે નોટબુક સ્વીકાર માટે એક બોક્સ પણ રાખવાનું રહેશે અને જે ત્રણ દિવસ સુધી રાખી મુકવી ત્યારબાદ શિક્ષકો પાસે મૂલ્યાંકન પ્રક્રિયા કરાવવી.