Get The App

સાવલીના બ્રિજ પર બાઇક મુકી બે યુવકો એકબીજાને ભેટ્યા અને મહીસાગરમાં કૂદી પડયા

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
સાવલીના  બ્રિજ પર બાઇક મુકી બે યુવકો એકબીજાને ભેટ્યા અને મહીસાગરમાં કૂદી પડયા 1 - image

વડોદરા,તા.5 ફેબ્રુઆરી,2020,બુધવાર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સાંજે બે યુવકોએ બ્રિજ પરથી એક સાથે કૂદી પડતાં ગ્રામજનોના ટોળાં ઉમટયા હતા.

સાવલી તાલુકામાં પોઇચા-કનોડા બ્રિજ પરથી આજે સાંજે એક ટ્રેક્ટર ચાલક પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા ૨૦ થી ૨૨ વર્ષની વયના બે યુવકો રોકાયા હતા અને બંને જણાએ એક સાથે બ્રિજ પર ચડીને મહીસાગરમાં પડતું મુક્યું હતું.

બનાવને નજરે જોનાર ટ્રેક્ટર ચાલક ગભરાઇ ગયો હતો અને તેણે નજીકના કનોડા ગામે રહેતા તાલુકા પંચાયતના સદસ્ય ખુમાનસિંહને જાણ કરતાં તેઓ ગ્રામજનો સાથે દોડી આવ્યા હતા અને શોધખોળ કરી હતી.

આખરે,વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતાં ફાયર  બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી નદીમાં શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ બંને યુવકોનો કોઇ પત્તો લાગ્યો નહતો.

પ્રાથમિક વિગતો મુજબ,નદીમાં કૂદી પડેલા બંને યુવકો આણંદ નજીકના કોડવાર ગામના હોવાનું જાણવા મળ્યું છે.બનાવના સ્થળે તેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા.પોલીસે પણ ઘટનાની તપાસ હાથ ધરી છે.

કૂદતા પહેલાં વીડિઓ કોલ પર વાત કરી

ગ્રામજનો પાસે મળતી માહિતી મુજબ,નદીમાં કૂદતા પહેલાં બંને યુવકોએ મોબાઇલ પર વીડિઓ કોલિંગ કરી પરિવારજનો સાથે વાત કરી હોવાની વિગતો ચર્ચાઇ રહી છે.આ યુવકોએ કયા કારણસર આ કૃત્ય આચર્યું તેની કોઇ જ વિગતો હજી જાણવા મળી નથી.

Tags :