નડિયાદમાં નવ કેસ નોંધાતા મોટાભાગના વિસ્તારોને ક્વૉરન્ટાઈન કરાયા : ખેડા અને કપડવંજમાં એક-એક કેસ નોંધાયા
ખેડા જીલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસોમાં નોધપાત્ર વધારો થયો છે. જીલ્લામાં આજે અગિયાર જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આજે પણ જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં નવ કોરોના પોઝીટીવ કેસો આવતાં શહેરના મોટાભાગના વિસ્તારોને ક્વૉરન્ટાઈલ કર્યા છે. આ ઉપરાંત તાલુકા મથક ખેડા અને કપડવંજમાં એક એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જીલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક ૪૬૧ પર પહોંચ્યો છે. નડિયાદ શહેરના એક વ્યક્તિનુ કોરોના સારવાર દરમ્યાન મૃત્યુ પામતા જિલ્લાનો મૃત્યુ આંક ૩૩ પહોચ્યો છે.આજે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થઇને ઘરે પહોચતા જિલ્લામાં સાજા થયેલા દર્દીઓનો આંક ૧૭૨ પર પહોચ્યો છે.
નડિયાદ શહેરના સરદાર પાર્ક સોસાયટીમાં કોલેજ રોડ પર રહેતા સંતરામદાસ માણેકલાલ શાહ ઉં.૭૪નું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. તેઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના ટેસ્ટ માટેના કુલ-૧૫૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય તંત્રએ કુલ- ૮૬૬૭ સેમ્પલ લીધા હતા. જેમાંથી ૭૯૩૨ નેગેટીવ અને ૩૫૯ વ્યક્તિઓના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનું ખેડા જિલ્લા આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવાયુ છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૩૭ દર્દી સારવાર હેઠળ છે. આજે ૨૦ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.જિલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૨૫૬ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૬,૯૦૮ ઘરો અને ૨૬,૭૮૯ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો.
નડિયાદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને હરાવતાં રજા અપાઈ
નડિયાદ ખાતે આવેલી કોવીડ-૧૯ શ્લોક હોસ્પિટલમાંથી આજે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જેમાં જીગ્નેશભાઇ બાબુભાઇ પટેલ,શૈલેષકુમાર દત્તારામ યાદવ,કાંન્તિભાઇ શામજીભાઇ મોજીદરા અને જુબેદાબેન મુસ્તુફાભાઇ પીપળાતાને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નડિયાદની શ્લોક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે ઉપરોક્ત વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.
કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય કમિશનરે નડિયાદની મુલાકાત લીધી
જિલ્લા આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી એન.ડી. દેસાઈ હૉસ્પિટલની મુલાકાત લીધી
ખેડા જીલ્લામાં કોરોના કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જે અનુસંધાને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં આજે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્લા કલેક્ટર, જીલ્લા અધિક કલેક્ટર, જીલ્લા આરોગ્ય અધિકારી, સીવીલ સર્જન તથા જીલ્લાના આરોગ્ય વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કમિશનરે જીલ્લાની હોસ્પિટલો, તબીબી સ્ટાફ, ધનવંતરી રથ જેવી અગત્યની બાબતોની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય કમિશનરે બારકોશીયા રોડ ઉપર ધનવંતરી રથની તેમજ એન.ડી. દેસાઈ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.


