કંપનીઓમાં અકસ્માતો અને પ્રદૂષણ અંગે સરકારી તંત્ર ગંભીર નથી
વડોદરા જિલ્લાની કંપનીઓમાં સ્થાનિક યુવાનોને પણ રોજગારી અપાતી ન હોવાનો મુદ્દો ઉછળ્યો
વડોદરા, તા.19 જાન્યુઆરી, રવિવાર
વડોદરા જિલ્લામાં આવેલી કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણ બાબતે તંત્ર ગંભીર નથી તેવા આક્ષેપો આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં થયા હતાં.
વડોદરાની કલેક્ટર કચેરી ખાતેના ધારાસભા હોલમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક અકસ્માતોને લગતી બાબતોમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ તેમજ જીપીસીબીને ચકાસણી કરી પગલાં લેવાની સૂચના આપી હતી. જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક વિસ્તારના નિવાસીઓ યોગ્ય લાયકાતો ધરાવતા હોય તો ભરતીમાં તેમને અગ્રતા આપવામાં આવતી નથી જેના કારણે અનેક સ્થાનિક યુવાનો રોજગારીથી વંચિત રહે છે તે મુદ્દા પણ ઉઠયા હતાં.
કરજણ તાલુકાના અભરા ગામ પાસે ખાનગી કંપની દ્વારા નર્મદા કેનાલને નુકસાન પહોંચાડવાની ઘટનાનો મુદ્દો પણ ઉઠતા કલેક્ટરે તાત્કાલિક તપાસ કરાવી અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત નર્મદા કેનાલની સાફ સફાઇ તેમજ વઢવાણા તળાવમાં પાંચ ગેટની જાળવણી કરવાની પણ સંકલન સમિતિમાં રજૂઆત થઇ હતી.