માય શાનેન સ્કૂલનો વિદ્યાર્થી પોતાની જ સ્કૂલમાંથી જ કમ્પ્યુટરો,ઝેરોક્સ,પ્રિન્ટર ઉઠાવી ગયો
વડોદરા,તા.10 જાન્યુઆરી,2020,શુક્રવાર
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારની માય શાનેન સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલો કોલેજીયન વિદ્યાર્થી પોતે ભણ્યો હતો તે સ્કૂલમાંથી જ કોમ્પ્યુટરો,પ્રિન્ટર જેવા સાધનોની ઉઠાંતરી કરી જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.
માય શાનેન સ્કૂલમાં ગઇ તા.૫મીએ રવિવારે મતદાર યાદી સુધારણા માટે સ્કૂલ ખોલવામાં આવી હતી.સાંજે ૫.૩૦ વાગે નાઇટ વોચમેન ક્લ્પેશ ભરવાડે સ્કૂલ બંધ કરી હતી.
બીજે દિવસે સવારે એકાઉન્ટ વિભાગમાંથી ચાર કોમ્પ્યુટરો,એક પ્રિન્ટર,ત્રણ માઉસ,કી બોર્ડ અને એક ઝેરોક્ષ મશીન ગુમ જણાતાં સીસીટીવી તપાસવામાં આવ્યા હતા.જેમાં એક યુવક બારીમાંથી સાધનો લઇ જતો હોવાનું દેખાયું હતું.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જેજે પટેલે આ અંગે તપાસ કરતાં સીસીટીવીમાં દેખાતો યુવક નજીકમાં રહેતો અને અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલો હિમાંશુ મનોજભાઇ મિશ્રા (રહે. સાંઇધામ સોસાયટી, વૈકુંઠ-૨,ખોડિયાર નગર પાસે,ન્યુ વીઆઇપી રોડ) હોવાનું ખૂલતાં પોલીસે તેને ઝડપી પાડયો હતો.
હાલમાં વોકેશનલ યુનિ.માં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હિમાંશુએ બારી વાટે પ્રવેશ કરી એક પછી એક સાધનો ઉઠાવી ગયો હોવાનું અને છેલ્લે વજનદાર ઝેરોક્ષ મશીન દરવાજા વાટે ખેંચી ગયો હોવાની વિગતો કબૂલી હતી.
આ ગુનો બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવાથી ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી પીએસઆઇ જીકે ચાવડાએ ચોર પાસે ચાર કમ્પ્યુટર,પ્રિન્ટર, ત્રણ માઉસ અને એક કી બોર્ડ કબજે કરી તેને બાપોદ પોલીસને સોંપ્યો છે.