ઉમરેઠ-ડાકોર માર્ગ ઉપર આવેલા કોટયર્ક ધામ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

દાગીના અને રોકડ મળી ૬ લાખની મત્તાની ચોરી
મંદિરો પણ સલામત નથી, ભક્તોમાં ભારે આક્રોશની લાગણી
આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠ-ડાકોર માર્ગ ઉપર આવેલ કોટયર્ક ધામ મંદિર ખાતે ગઈકાલ રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરમાં તોડફોડ કરી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ્લે રૂા.૬ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાથે સાથે તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર આવેલ કોટયર્ક ધામ મંદિર આવેલ છે. ગઈકાલ રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ આ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મંદિરમાં પ્રવેશ કરી મૂર્તિઓ, સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ્લે રૂા.૬ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક રૂમમાં મુકેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
તસ્કરોએ મંદિરની દાનપેટી સહિત ઓફિસમાં પણ ચોરી કરી હતી. આજે સવારના સુમારે મંદિરના પૂજારી મંદિર ખાતે પહોંચતા તેઓએ દરવાજાનું તાળુ તુટેલું જોતા અંદર જઈ તપાસ કરી હતી. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ અન્ય વ્યક્તિઓને જાણ કરતા ભક્તોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બાદમાં પુજારીએ આ અંગે ઉમરેઠ પોલીસ મથકને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

