Get The App

કોરોનામાં આપેલી સેવા હવે મેડિકલ બોન્ડ હેઠળ ગ્રામ્ય સેવામાં ગણાશે

- રજૂઆતોને પગલે સરકારે અંતે બોન્ડ નિયમોમાં છુટછાટ આપી

- યુજી-પીજી મેડિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોરોનામાં જેટલી સેવા આપી હશે તેનાથી બમણો સમય બોન્ડ સેવા તરીકે ગણાશે

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનામાં આપેલી સેવા હવે મેડિકલ બોન્ડ હેઠળ ગ્રામ્ય સેવામાં ગણાશે 1 - image


અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર

રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન દ્વારા સરકારને ઘણા સમયથી બોન્ડ સેવામાં છુટછાટ આપવા અને કોવિડ સેવાને ગ્રામ્ય સેવા તરીકે ગણવા રજૂઆતો કરવામા આવી હતી.જેને પગલે સરકારે આજે ઠરાવ કરીને બોન્ડેડ તબીબો દ્વારા બજાવવામા આવેલ ફરજના સમયગળાને બોન્ડ સેવા તરીકે ગણવા અને તે  સમયગાળાને બમણો ગણવા તેમજ આનુષંગિક છુટછાટ આપવાની જાહેરાત કરી છે.

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ હેઠળ નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ સ્નાતક અને અનુસ્નાતક એટલેકે યુજી-પીજી મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરનાર તબીબો દ્વારા બોન્ડ અન્વયે બજાવવાની થતી ગ્રામ્ય સેવાને બદલે કોવિડ-19ની નોટિફાઈડ હોસ્પિટલોમાં સેવા બજાવે તો તે પણ બોન્ડ સેવા ગણાશે.

કોઈ બોન્ડેડ તબીબ જેટલા સમયગાળાની સેવા કોવિડ હોસ્પિટલમાં આપે તો તેનાથી બમણા સમયગળાની સેવા બોન્ડ સેવા તરીકે ગણાશે.ઉદાહરણરૂપે  જો તબીબી રેસિડેન્ટ સ્ટુડન્ટ  એક માસ માટે કોવિડ સેવા આપે તો તે સેવાને 2 માસની બોન્ડ સેવા અથવા 3 માસની કોવિડ સેવા આપે તો 6 માસની બોન્ડ  સેવા અને 6 માસસેવા આપે તો 12 માસની બોન્ડ સેવા એટલેકે ગ્રામ્ય સેવા ગણવાની રહેશે.

આ ઉપરાંત બોન્ડ તબીબે અગાઉ 3 વર્ષના બોન્ડમાંથી થોડા સમય ગ્રામ્ય સેવા આપ્યા બાદ અધવચ્ચેથી સેવા છોડી બોન્ડ પૂર્ણ ન કર્યો હોય અને હવે કોવિડ સેવા આપી હશે તો તેને પણ આ જોગવાઈનો લાભ મળશે.જેટલા સમય કોવિડ સેવા આપી હશે તે સમયને બોન્ડ સેવા ગણીને બોન્ડમાંથી મુક્તિ અપાશે. 

કોઈ બોન્ડેડ તબીબ 3 વર્ષનો બોન્ડ આપેલ હોય અને તેઓ 14 ઓગસ્ટ 2019 તથા 30-1-2020ના ઠરાવની જોગવાઈ મુજબ  એક વર્ષની સેવાના વિકલ્પે નવેસરથી બોન્ડ આપી તે મુજબની સેવા કરી બોન્ડ મુકત થવા માંગતા હોય તેવા તો તેવા તબીબોને પણ વિકલ્પ સ્વીકારીને તેઓએ કોવિડ હોસ્પિટલમાં બજાવેલ6 માસની સેવાની સામે એક વર્ષની બોન્ડ સેવા ગણી બોન્ડમાંથી મુક્તિ આપવાની રહેશે.

આ ઠરાવની જોગવાઈ હેઠળ કોરોનામાં સારવારની કામગીરી કરવા કે સેવા આપવા ઈચ્છતા તબીબોએ આરોગ્ય કમિશનર કચેરી ખાતે ઓનલાઈન અથવા અન્ય રીતે અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તબીબી સેવા અધિક નિયાકમ દ્વારા બોન્ડ સેવા અંગેનો નિમણૂંકના હુકમો કરાશે.  કોવિડ -19ની નોટિફાઈડ હોસ્પિટલમાં બજાવેલ ફરજના સમયગાળા અંગેનુ પ્રમાણપત્ર સંબંધિત હોસ્પિટલના તબીબી અધિક્ષકે આપવાનું રહેશે. તબીબીને નોટિફાઈડ હોસ્પિટલમાં ફજર પર જોડાયા હોય તે તારીખથી આ ઠરાવનો લાભ મળશે.

Tags :