For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધંધાની નુકશાનીમાંથી બહાર આવવા માટે વેપારીએ લૂંટનું તરકટ રચ્યું

Updated: Nov 17th, 2021

Article Content Image

ધંધૂકા-ફેદરા હાઇવે પર કાર લૂંટનો મામલો

રાજકોટમાં રહેતા મિત્રને બોલાવીને કાર આપી દીધી : કારની વીમાની રકમ મેળવવા માટે પત્ની સાથે મળી કારસો રચ્યો હતો 

અમદાવાદ : અમદાવાદના સેલા ખાતે રહેતા કાપડનો વેપારી પાંચ દિવસ પહેલા પરિવાર સાથે ભાવનગર જઇ રહ્યો હતો ત્યારે ધંધૂકા-ફેદરા હાઇવે પર બાઇક પર આવેલા બે યુવકો તેમના છરી બતાવીને પત્નીના સોનાના દાગીના, બે મોબાઇલ ફોન અને કારની લૂંટ કરીને નાસી ગયાની ફરિયાદ ધંધૂકા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.

જો કે , પોલીસને ફરિયાદીનું વર્તન શંકાસ્પદ જણાતા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કાપડના ધંધામાં નુકશાની જતા તેણે કારનો વીમો મેળવીને ધંધાની ખોટ સરભર કરવા માટે લૂંટનું નાટક રચ્યુ હતું. 

અમદાવાદના  સેલામાં આવેલા સુરેલ એપાર્ટમેન્ટમાં રહેતા શશાંકગિરી ગોસ્વામીએ ગત 12મી નવેમ્બરના રોજ  ધંધૂકા પોલીસ મથકે ખાતે ફરિયાદ નોંધાવી હતી કે  તે તેમની પત્ની વીણા સાથે વહેલી સવારે ભાવનગર તરફ જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ યુવકોએ કારને રસ્તામાં આંતરીને છરી બતાવીને તેની પત્ની વીણાના સોનાના દાગીના,બ મોબાઇલ ફોન , રોકડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા ચાર લાખની કિંમતની કારની લૂંટ કરી હતી.

સામાન્ય રીતે સતત ધમધમતા ભાવનગર-બગોદરા હાઇવે પર બનેલી લૂંટની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે સૃથળ પર તપાસ કરતા કોઇ નક્કર પુરાવા મળ્યા નહોતા. એટલુ જ નહી, શંશાકગીરી ગોસ્વામીનું વર્તન શંકાસ્પદ જણાતા તેની પુછપરછ શરૂ કરી હતી. જેમાં તે ભાંગી પડયો હતો અને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે છેલ્લાં પાંચ વર્ષથી ઘરેથી ઓનલાઇન કપડા વેચાણ કરવાનો વ્યવસાય કરે છે.

પરંતુ, કોવિડની બીજી લહેર બાદ તેણે ડીસ્પેચ કરેલા કપડાના નાણાં ખરીદનાર પાસેથી મળ્યા ન હોવાથી ધંધામાં ખોટ વધતી હતી. જેને રીકવર કરવા માટે તેણે  પત્ની વીણા અને રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલી રાજપથ રેસીડેન્સીમાં રહેતા હિતેશ ધામેલિયા સાથે મળીને લૂંટની યોજના બનાવી હતી. જે મુજબ  તેણે ધંધૂકા-ફેદરા હાઇવે પર પહોંચીને કાર હિતેશને સોંપી દીધી હતી.

જ્યારે સોના દાગીના  અને મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ઘરમાં સંતાડી દીધા હતા. પોલીસે હિતેશને બોલાવીને કારને ભાવનગર જિલ્લાના શિહોર ખાતેથી જપ્ત કરી હતી.  આ બનાવ અંગે પોલીસે શંશાકગીરી ગોસ્વામી, તેની પત્ની વીણા અને મિત્ર હિતેશ ધામેલિયા  વિરૂધૃધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat