ગાંધીનગર ડેપોના કર્મચારીઓએ સૂત્રોચાર કરીને વિરોધ પ્રગટ કર્યો


વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા

પડતર પ્રશ્નોની માંગ  સાથે જલદ કાર્યક્રમો શરૃ કર્યા ઃ બસના પૈડા રોકી દેવાની ચીમકી ઉચ્ચારાઈ

ગાંધીનગર :  ગુજરાત એસ.ટી નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે તેનું નિરાકરણ નહીં આવતા ફરીથી આંદોલનત્મક કાર્યક્રમો સાથે વિરોધ પ્રદર્શન શરૃ કર્યા છે. જે અંતર્ગત યુનિયન દ્વારા આપવામાં આવેલા તબક્કાવાર વિરોધ કાર્યક્રમમાં ગાંધીનગર ડેપોના કર્મચારીઓ પણ જોડાયા છે. સંકુલમાં સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકારની નીતિઓ સામે નારાજગી નોંધાવી હતી.

રાજ્યના પાટનગરમાં હાલ વિવિધ મંડળો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પડતર પ્રશ્નોની માંગ સાથે આંદોલનમાં જોડાઈ ગયા હોય તે પ્રકારે છેલ્લા ત્રણ ચાર દિવસથી યુનિયન દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અનુસાર વિરોધ કાર્યક્રમ કરી રહ્યા છે. બે દિવસ અગાઉ કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિઓ સામે કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે મંગળવારે બપોરના સમયે સૂત્રોચાર કરીને પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરી છે. એક તરફ સરકાર દ્વારા અગાઉ ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા કર્મીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. ત્યારે માસ.  સી. એલ ઉપર જવાની પણ ચીમકી યુનિયન દ્વારા આપવામાં આવી છે. જે અંગેની પ્રક્રિયા પણ કર્મીઓએ પૂર્ણ કરી છે અને પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગુરૃવાર મધરાતથી બસના પૈડા રોકી દઈને વિરોધ પ્રગટ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ ડેપોના કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.

City News

Sports

RECENT NEWS