ભૂગર્ભમાં બોંબ ફૂટયા જેવો ધડાકો સંભળાયા બાદ ધરતી ધુ્રજી ઉઠી!
ભૂકંપના ઉદ્ગમ સ્થાન સમાન ભાયાસરના ગ્રામજનો હતપ્રભ
- વાડીમાં કેન્દ્રબિંદુવાળી ભૂમિ પરથી કાંટાળા થોર હટાવીને કરાયું નિરીક્ષણ: સિસ્મોલોજીની ટીમ નમૂના લેવા આવે તેવી શક્યતા
રાજકોટ, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર
''રીતસર બોમ્બ ફૂટયો હોય એવો જ અવાજ થયો અને એ પછી તરત જોરદાર ધુ્રજારી આવી. ગામનાં કેટલાંય પાકા મકાનોમાં પણ આ ભૂકંપથી તિરાડો પાડી ગઇ છે. એમને તો બહારથી ફોન આવવા માંડયા પછી જાણ થઇ કે એ ભૂકંપનું એપી સેન્ટર અમારા ગામ પાસે જ નોંધાયું હતું,
પણ સાત - સાત કોરોના કેસ પછી ભૂકંપ પણ અમારા માટે તો સામાન્ય થઇ પડયો!'' રાજકોટ નજીકના નાના એવાં ભાયાસર ના ગ્રામજનોની આવી પ્રતિક્રિયા ઘણું કહી જતી હતી. રાજકોટથી 22 કિલોમીટર દૂરના ભાયાસર ગામે 4.8 મેગ્નિટયૂડના ભૂકંપનું કેન્દ્રબિન્દુ હોવાનું નોંાૃધાતા વહિવટી તંત્ર દોડતું થઇ ગયું હતું.
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મેનેજરે અક્ષાંસ - રેખાંશ સાથેનું લોકેશન મોકલતાં રાજકોટ તાલુકા મામલતદાર કથીરિયા, ટી.ડી.ઓ. પરમાર વગેરેને ભાયાસર દોડાવાયા હતા. કૂવાથી 500 ફૂટ દૂર વાડીમાંના કાંટાળા થોરના ડુંગરા પરથી જેસીબીની મદદથી ઝાડી - જાંખરા હટાવીને જમીન સમથળ કરી નાખવામાં આવી હતી, પરંતુ તેમાં ખાડો - તિરાડ કશું જોવા મળ્યું નથી. રોજકામ કરીને નિવેદનો નોંધાયા હતા.
બીજી તરફ, ગામમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. સરપંચ વરજાંગભાઇ મારૂએ જણાવ્યું કે ''સાત કોરોના કેસ પછી 1200ની વસતીમાંથી 60 ટકા માણસો તો આસપાસના વાડી - ખેતરોમાં જ રહેવા જતા રહ્યા છે, ભૂકંપ આવતાં મકાનો ધૂ્રજી ગયા હતા અને ગામ લોકો ભયના માર્યા ઘર બહાર દોડી નીકળ્યા હતા.
તલાટી રિધિૃધ મૈયડે કહ્યું કે, કોરોના કેસો બાદ ગ્રામજનો સ્વૈચ્છિક ક્વોરન્ટાઇન છે અને દૂકાનો બંધ જ રહે છે, કોરોના પેશન્ટ એવા છ મહિલા ગ્રામજનો સારવાર બાદ એકા'દ દિવસમાં જ ગામ પરત આવવાના છે એવામાં આજના ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાયાસરમાં નોંધાયાનું બન્યું પરંતુ સદ્ભાગ્યે કોઇ મોટું નુકશાન નથી. એકા'દ - બે દિવસમાં ગાંધીનગરથી સિસ્મોલોજીની ટીમ તપાસાર્થે આવશે તેમ જાણવા મળ્યાનું સરપંચે ઉમેર્યું હતું. પરંતુ તંત્ર દ્વારા તેને સમર્થન મળતું નથી.
મુખ્યમંત્રી રૂપાણીએ ભૂકંપની માહિતી મેળવી
અમદાવાદ,ગુરૂવાર
ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રમા ભૂકંપના આંચકા અનુભવાતા લોકો રીતસરના ડરી ગયા હતાં. ભૂકંપના આંચકા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ,જૂનાગઢ અને અમરેલીના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જાણકારી મેળવી હતી. ગુરૂવારે વહેલી સવારે 7.41 વાગે સૌરાષ્ટ્રમાં રાજકોટ,ગોંડલ, ચોટિલા , જસદણ, અમરેલી, જુનાગઢ , ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.8ની તિવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદે રાજકોટ,અમરેલી અને જૂનાગઢ કલેક્ટર સાથે ફોન પર વાત કરી જો ભૂકંપથી નુકશાન થયું હોય તો સર્વે કરવા સૂચના આપી હતી.