Updated: Mar 18th, 2023
સાંજના સમયે ભારે પવન ફૂંકાયો ઃ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા
હોળી ધુળેટી પર્વ બાદ ઉનાળાની કાળજાળ ગરમીનું આગમન ધીમે
ધીમે થતું હોય છે. ત્યારે વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે ફેરબદલ થઈ
રહ્યા છે. તેના પગલે -તુચક્ર પણ ફરી રહ્યું છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સના પગલે વાતાવરણમાં પલટો આવશે
અને ઘણા વિસ્તારમાં માવઠું પડશે. ત્યારે બદલાયેલા હવામાનની અસર શનિવારે અનુભવવા
મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન પાટનગરમાં વાદળો છવાયા હતા. ત્યારે સાંજના સમયે અચાનક
જ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું જેના પગલે સમગ્ર ગાંધીનગર જિલ્લાને આ વાતાવરણએ બાનમાં
લેતા સાંજના સમયે વાહન ચાલકો અટવાયા હતા. તો બીજી તરફ ધીમેધીમે કાળા ડિબાંગ વાદળો છવાતા નગરજનોમાં પણ ચિંતા વ્યાપી
હતી. તો બીજી તરફ અચાનક જ જિલ્લાના ઘણા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે
ધોધમાર વરસાદ પડયો હતો જ્યારે જિલ્લાના તાલુકા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો આમ વાતાવરણમાં થયેલા
ફેરબદલના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો છે. શનિવારે લઘુતમ તાપમાન ૧૮.૪
ડિગ્રી આવીને અટક્યું છે. તો મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રીએ પહોંચ્યું છે. તો બીજી
તરફ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આ વાતાવરણની અસર અનુભવવા મળી હોય તે પ્રકારે વરસાદી
વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે સમગ્ર ગાંધીનગર શહેર સહિત
જિલ્લામાં ફાગણ માસમાં અષાઢી માહોલ
સર્જાતા વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ તાપમાનના પારામાં પણ ઘટાડો થવાના કારણે
વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. તો વાદળો છવાઈ જવાના કારણે ઉનાળાની
ગરમીમાં વરસાદી માહોલ અનુભવવા મળ્યો છે.
તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ જવાના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ
જિલ્લાના કલોલ, માણસા
અને દહેગામ તાલુકામાં કાળા ડિબાગ વાદળો છવાઈ જવાના કારણે વાતાવરણમાં પલટો આવતા
સ્થાનિકો પણ ચિંતિત બન્યા છે.
અમુક વિસ્તારમાં વાવાઝોડા સાથે કરાં પડયા
સમગ્ર રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ફાગણ માસમાં અષાઢી
માહોલ અનુભવવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે
ઘણા જિલ્લામાં શનિવારે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. તો આ વાતાવરણની અસર ગાંધીનગર
શહેર અને જિલ્લા ઉપર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો
હતો અને આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા બાદ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું.
ત્યારે પાટનગરમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઘણા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડયો હતો અને
જુના સેક્ટરોમાં લગભગ અડધા કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. તો બીજી તરફ શહેરના સેક્ટર-
૧૯ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે કરા પડયા હતા. જેના પગલે સ્થાનિક રહીશો
પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આમ ગાંધીનગર શહેરમાં પણ જુના અને નવા સેક્ટરમાં અલગ અલગ
વરસાદી માહોલ નગરજનોને અનુભવવા મળ્યો હતો. ઘણા વર્ષો પછી ગાંધીનગર શહેરમાં કરા પડયા
હોય તેવી ઘટના સામે આવી છે. તો બીજી તરફ વરસાદી માહોલના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી
જવા પામી છે.