વડોદરા: ઘડિયાળી પોળ વિસ્તારમાં યુવતીનો મોતનો ભૂસકો

વડોદરા,તા. 09 એપ્રિલ 2022,શનિવાર
વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં પિતાના અવસાન બાદ ડિપ્રેશનમાં સરી પડેલી યુવતીએ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ યુવતીએ સુરસાગરમાં આપઘાતની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઘટના સંદર્ભે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી આરંભી છે.

વડોદરા શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં પીપળા શેરીમાં રહેતી 24 વર્ષીય યુવતીએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૈત્રી શાહના પિતા બે વર્ષ અગાઉ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદથી યુવતી ડિપ્રેશનમાં રહેતી હતી. તેણીએ અગાઉ પણ સુરસાગરમાં ઝંપલાવવાનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક રહીશોએ સમય સુચકતા વાપરી યુવતીનો બચાવ કર્યો હતો. દરમિયાન ગઇકાલે મોડી રાત્રિએ યુવતીએ પોતાના ઘરની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવતા મોતને ભેટી હતી.
ઘટનાના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા. સ્થાનિક કોર્પોરેટર જેલમબેન ચોકસી પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો.

