અમેરિકા-ઈરાન જંગમાં ઈટાલીની ગુપ્ત એન્ટ્રી? નાટો ચીફના દાવા બાદ ભડક્યા જ્યોર્જિયા મેલોની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Giorgia Meloni Donald Trump Row: NATO સેક્રેટરી-જનરલ માર્ક રૂટેના એક વિવાદાસ્પદ નિવેદને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાન પરના હુમલા વખતે મેલોની સરકારે ઈટાલી સ્થિત અમેરિકન સૈન્ય મથકો પરથી ફાઇટર જેટ્સને ઉડાન ભરવાની મંજૂરી આપી હતી. આ દાવો સામે આવતા જ ઈટાલીના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે અને પીએમ જ્યોર્જિયા મેલોનીએ પોતે મોરચો સંભાળીને બચાવ કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈટાલીના પીએમ મેલોની વચ્ચે જાહેરમાં થયેલી ઉગ્ર ચર્ચા બાદ, હવે ઈટાલીએ આ મામલે ઈરાનને ફોન કરીને સફાઈ આપવાની નોબત આવી છે.
નાટો ચીફના નિવેદનથી કેમ ભડક્યું ઈટાલી?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નાટો સેક્રેટરી-જનરલ માર્ક રૂટેએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે,
'ઈટાલીએ જંગ દરમિયાન પોતાના સૈન્ય અડ્ડાઓ પરથી 500 જેટલા અમેરિકન સૈન્ય વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી આપી હતી. યુરોપના અલગ-અલગ સૈન્ય મથકો પરથી 4,000થી 5,000 વિમાનોએ ઉડાન ભરીને અમેરિકાના 'એપિક ફ્યુરી' ઓપરેશનમાં મદદ કરી હતી.'
પીએમ જ્યોર્જિયા મેલોનીએ આપી સફાઈ
નાટો ચીફના આ નિવેદન પર ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની ભારે ભડક્યા છે. તેમણે માર્ક રૂટે પર આક્ષેપ કર્યો કે તેઓ અમેરિકાને ખુશ કરવા અને નાટોની ભૂમિકા મોટી બતાવવાની ઉતાવળમાં આવું ગૂંચવણભર્યું અને ખોટું નિવેદન આપી રહ્યા છે. મેલોનીએ સ્પષ્ટ કર્યું કે,
'અમે ઈરાન સામેના કોઈ સંઘર્ષમાં ભાગ લીધો નથી. નાટો ચીફે ઉત્સાહમાં આવીને અલગ-અલગ બાબતોને એકસાથે ભેગી કરીને પરવાનગી અપાયેલી ફ્લાઇટ્સ અંગે મોટો ભ્રમ ઊભો કર્યો છે. જો અમે ઈરાન સામેના યુદ્ધમાં ભાગ લીધો હોત, તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જે નારાજગી વારંવાર વ્યક્ત કરે છે તેનું કોઈ કારણ જ ન હોત.'
આ પણ વાંચો: યુરોપમાં હિટવેવના કારણે ત્રાહિમામ! પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, કુલ 40ના મોત
ઈટાલીના વિદેશ મંત્રીએ ઈરાનને ફોન કરી આપ્યા પુરાવા
વાત વધુ ન બગડે તે માટે ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાયાનીએ તાત્કાલિક ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને ફોન લગાવ્યો હતો. તેમણે ઈરાનને ખાતરી આપી કે અમેરિકા સાથેના કરારોનું પાલન કરતી વખતે પણ ઈટાલીએ ક્યારેય ઈરાન વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ લીધો નથી કે પોતાના સૈન્ય અડ્ડા વાપરવા દીધા નથી.
આ સાથે ઈટાલીના સંરક્ષણ મંત્રી ગુઇડો ક્રોસેત્તોએ પુરાવા આપતા જણાવ્યું કે 2019થી 2025ના વર્ષોની સરખામણીએ આ ઓપરેશન દરમિયાન ઈટાલીના સિગોનેલા અને અવિયાનો બેઝ પરથી પસાર થનારી ફ્લાઇટ્સની સંખ્યા ઘણી ઓછી હતી. આ ફોન કોલ દરમિયાન ઈટાલીએ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા વિનંતી કરી જેથી તેમના માલવાહક જહાજો નીકળી શકે.
ઈરાને ઈટાલીને ગણાવ્યું જવાબદાર
બીજી તરફ, ઈરાન નાટો ચીફના આ નિવેદનને જ સાચું માની રહ્યું છે અને તે ઈટાલીથી ભારે નારાજ છે. ઈરાનના આંતરરાષ્ટ્રીય મામલાના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ UNના પ્રસ્તાવનો હવાલો આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'જો કોઈ દેશ ત્રીજા દેશને અન્ય દેશ પર હુમલો કરવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવા દે છે, તો તેને પણ આક્રમક કાર્યવાહી જ ગણવામાં આવે છે.' ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ પણ ભારપૂર્વક કહ્યું કે નાટોના સેક્રેટરી-જનરલે પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે ઈટાલીનું નામ લીધું છે, તેથી આ હુમલા માટે ઈટાલી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલું જ જવાબદાર ઠરે છે.









