કોવિડ સહાયક ન બનનાર મેડિકલના વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી બાકાત કરાશે
- ગુજરાત સરકારના આદેશ મુજબ
- તમામ મેડિકલ કોલેજોએ પ્રથમથી માંડી છેલ્લા વર્ષના તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર થવા આદેશ કર્યો : ઉગ્ર વિરોધ
અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
સરકારે કોવિડ સારવામાં મેડિકલ-ડેન્ટલ અને પેરામેડિકલના તમામ વર્ષના વિદ્યાર્થીઓને તાલીમ આપી કોવિડ સહાયક તરીકે કામગીરી કરાવવા આદેશ કર્યો છે.
જે અંતર્ગત સરકારની સૂચનાથી તમામ મેડિકલ કોલેજોએ તમામ વર્ષના વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર થવા આદેશ કર્યો છે અને જો વિદ્યાર્થીઓ હાજર નહી થાય અને કોવિડ કામગીરી નહી કરે તો પરીક્ષાથી બાકાત કરાશે તેમજ ટર્મ ગ્રાન્ટ નહી કરવામા આવે. આ મુદ્દે એનએચએલ સહિતની મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા ભારે વિરોધ કરવામા આવ્યો છે.
સરકારની સૂચનાથી તમામ સરકારી મેડિકલ કોલેજો ઉપરાંત જીએમઈઆરએસ તેમજ મ્યુ.કોર્પોરેશન સંચાલિત ખાનગી મેડિકલ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર થવા માટે ફરમાની જારી કરી દેવાયા છે.
વિદ્યાર્થીઓને જે તે જિલ્લામાં-તાલુકામા પોતાના ઘરે ગયા હોય ત્યાંથી કોલેજ ખાતે હાજર થવા સર્ક્યુલરો કરવામા આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થઈ પાસે કોવિડ કામગીરીમાં સહાયક તરીકે જવાબદારી નિભાવવા સંમંત છીએ તેવુ બાયંધરી પત્રક વિદ્યાર્થીઓ વાલીઓ પાસે ફરજીયાત ભરાવવામાં આવી રહ્યુ છે.
એએમસી એલ.જી. અને એન.એચ.એલ મેડિકલ કોલેજ દ્વારા 300થી 500 સેમ્પલ કલેકશન માટે બોલાવવામા આવ્યા હતા. આ ઉપરાંત એનએચએલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ફરજીયાત કામગીરી સામે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે.
મહત્વનું છે કે સરકારની સૂચનાથી પ્રથમથી માંડી છેલ્લા વર્ષના તમામ વિદ્યાર્થીઓને કોવિડ કામગીરી સોંપવામા આવી રહી છે અને જે વિદ્યાર્થીઓ કામગીરી નહી સ્વીકારે તેઓને યુનિ.ની પરીક્ષાથી બાકાત કરાશે ઉપરાંત ટર્મ પણ ગ્રાન્ટ નહી કરવામા આવે.
વિદ્યાર્થીઓને વાલીઓ કામગીરીમાં મોકલશે નહી
સરકારના કડક ફરમાન સામે વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે.એક બાજુ શિક્ષણ-કોલેજો બંધ છે ત્યારે મેડિકલ-પેરામેડિકલ કોલેજોમાં પ્રથમથી માંડી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ ફરજીયાત કામગીરી માટે બોલાવવામા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વાલીઓએ નિર્ણય કર્યો છે કે તેઓ કામગીરી માટે મોકલશે જ નહી.આવતીકાલે ઘણા વિદ્યાર્થીઓ હાજર નહી થાય.