અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર સ્ટ્રીટલાઇટો બંધ
- મહિનાઓથી છવાયેલા અંધારપટ વચ્ચે લોકો પરેશાન
- હાઇવેની બંને સાઇડ આવેલા ગામોના લોકોને રાત્રિ દરમિયાન રોડ ક્રોસ કરવામાં પડતી હાલાકી

અમદાવાદ,તા. 22 એપ્રિલ 2021, ગુરૂવાર
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર ઓઢવથી કણભા ગામની હદ સુધીની સ્ટ્રીટવલાઇટો બંધ હોવાથી વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ઘણા મહિનાઓથી સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં પડી છે. સ્થાનિક રહિશોની રજૂઆતો છતાંય આજદીન સુધી આ સ્ટ્રીટલાઇટો ચાલુ કરાઇ નથી.
તાજેતરમાં ઓઢવથી સિંગરવા ગામ સુધી એક્સપ્રેસ હાઇવેનો જોડતો રોડ પણ બનાવી દેવાયો છે. ત્યાં પણ સ્ટ્રીટલાઇટોના થાંભલા ઉભા કરીને કામ અધુરૂ મૂકી દેવાયું છે. આ જગ્યાએ પણ લાઇટો બંધ હોવાથી વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.
નેશનલ હાઇવે પર ભારે વાહનોની સતત અવર-જવર રહે છે.આજુબાજુમાં બંને સાઇડ ગામડાઓ આવેલા છે. રાત્રિ દરમિયાન ગ્રામજનોએ રોડ ક્રોસ કરવો હોય ત્યારે મુશ્કેલી સર્જાઇ રહી છે. ભૂતકાળમાં રોડ ક્રોસ કરતા વાહન અકસ્માતમાં મોત થયાના પણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
તંત્ર દ્વારા લોકોને પડતી આ હાલાકી સત્વરે દુર કરવામાં આવે અને હાઇવે પરની તમામ સ્ટ્રીટલાઇટો ચાલુ કરી દેવામાં આવે તેવી માંગણી ગ્રામજનોની છે. નોંધપાત્ર છેકે આ વિસ્તારમાં હવે મોટાભાગના વિસ્તારો ઔદ્યોગિક એકમોમાં ફેરવાઇ ગયા છે. કઠવાડા જીઆઇડીસી, ઓઢવ જીઆઇડીસી અને બાકરોલ, ચાંદિયેલ, કુબડથલ સહિતના ગામોમાં ઔદ્યોગિક એકમો બની ચૂક્યા હોવાથી આ રોડ પર ભારે વાહનોની અવર-જવર વધી ગઇ છે.

