સાળંગપુરમાં પૈસા કમાવવા પુતળુ ઉભુ કરાયુ છે, શિક્ષિકા પર હિન્દુ ધર્મ અંગે અણછાજતી ટિપ્પણીનો આરોપ, બજરંગદળ-વિહિપનો હંગામો
વડોદરા,તા.11 ઓગસ્ટ 2023,શુક્રવાર
વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલી ન્યૂ ઈરા હાઈસ્કૂલના એક શિક્ષક દ્વારા હિન્દુ ધર્મગ્રંથ અને દેવી દેવતાઓ પર અણછાજતી ટિપ્પણી કરવામાં આવી હોવાના આરોપ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.
બંને સંગઠનોનુ કહેવુ હતુ કે, અમને સ્કૂલના જ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓની આ બાબતે ફરિયાદ મળી હતી. સ્કૂલના શિક્ષક જ વિદ્યાર્થીઓ સમક્ષ રામાયણ અને સાળંગપુર હનુમાનજીને લઈને વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા હતા.
સ્કૂલના એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, અમે ક્લાસમાં રામાયણ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે ધો.6ના ક્લાસ ટીચર કોકિલાબેન મકવાણા આ વાત સાંભળીને અમારી પાસે આવ્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે, રામાયણ જેવુ કશું નથી. સાળંગપુરમાં પણ પૈસા કમાવવા માટે પુતળુ ઉભુ કરી દેવામાં આવ્યુ છે. આ અંગે મેં મારા પિતાને જાણ કરી હતી.
વિહિપ અન બજરંગદળના સભ્યોએ સ્કૂલમાં પહોંચીને શિક્ષિકા માફી માંગે તેવી માંગ કરી હતી. બીજી તરફ સ્કૂલના સંચાલકોએ શિક્ષિકાનો બચાવ કરતા કહ્યુ હતુ કે, તેઓ છેલ્લા 20 વર્ષથી સ્કૂલમાં ભણાવી રહ્યા છે પણ ક્યારેય તેમની કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. આ સ્કૂલમાં 2800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સ્કૂલના દરેક આચાર્યના ટેબલ પર ભગવદ ગીતા મુકવામાં આવતી હોય છે. ગીતાની સાક્ષીએ જ અમે તમામ કામ કરતા હોઈએ છે.
શિક્ષિકા કોકિલાબેને કહ્યુ હતુ કે, મને આવી કોઈ જાણકારી જ નથી. મેં કોઈ પ્રકારની કોમેન્ટ કરી નથી. બીજા શિક્ષકોએ મને કહ્યુ ત્યારે તો વાતની ખબર પડી છે.
જ્યારે તરસાલી બજરંગદળ સંયોજક ક્રિષ્ણા ઉદેસિંહનુ કહેવુ હતુ કે, શિક્ષિકા અને વિદ્યાર્થીઓને આમને સામને ઉભા રાખવામાં આવ્યા ત્યારે સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ શિક્ષિકાએ ટિપ્પણી કરી હોવાનુ કહ્યુ હતુ. અમારી માંગ છે કે, સ્કૂલ દ્વારા શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેમની પાસે માફી મંગાવવામાં આવે.