સ્ટેટીક અને ફ્લાઇંગ સર્વેલન્સ ટીમને સઘન ચેકીંગ કરવા આદેશ


જિલ્લા ચૂંટણી અધિકારીએ નાકા પોઇન્ટ તપાસ્યા

આઇકાર્ડ અને વિડીયોગ્રાફી સાથે જે વાહનોની તપાસ કરી હોય તેનું રજીસ્ટ્રર યોગ્યરીતે નિભાવવા ચૂંટણી અધિકારીની તાકિદ

ગાંધીનગર :  ચૂંટણીમાં દારૃ અને રોકડની હેરફેર ઉપર નજર રાખવા માટે સ્ટેટીક સર્વેલન્સની ટીમ દ્વારા ચેકીંગની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા પણ ચૂંટણીલક્ષી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કેટલાક નાકા તપસ્યા હતા જેમાં તેમણે ટીમના સભ્યોને સઘન ચેકીંગ કરવા તથા ચેકીંગ દરમ્યાન વિડીયોગ્રાફી કરવા માટે સુચના આપી હતી. એટલુ જ નહીં, તેનું રજીસ્ટ્રર પણ નિભાવવા માટે તાકિદ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠક માટે દારૃ-રોકડની હેરાફેરી અટકાવવા માટે પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનથી વધારાની રોકડ લઇને ફરતા ઉમેદવારો કે અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે સ્ટેટીક ટીમો તહેનાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં અગાઉ ૨૫ ટીમો હતી જે લગભગ બમણી જેટલી કરીને ૪૫ કરી દેવામાં આવી છે. હાલ પ્રવેશદ્વારો સહિતના વિવિધ નાકા ઉપર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને ૧૨ હજાર જેટલા વાહનોના કરાયેલા ચેકીંગ દરમ્યાન અત્યાર સુધી કંઇ સંદિગ્ધ નહીં મળી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તે વચ્ચે ફ્લાઇંગ અને સ્ટેટીકની ટીમોને સતર્ક કરવા માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ વિવિધ નાકાની મુલાકાત લીધી હતી તે દરમ્યાન તેમણે સ્ટેટીક ટીમના સભ્યોને સઘન ચેકીંગ કરવા માટે સુચના પણ આપી હતી. આ ઉપરાંત ટીમના સભ્યોને આઇકાર્ડ પહેરવા તથા ચેકીંગ દરમ્યાન વિડીયોગ્રાફી ચાલુ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું. વાહન આવે ત્યારથી લઇને તેનું ચેકીંગ ચાલુ હોય તે દરમ્યાન પણ વિડીયોગ્રાફી થતી રહેવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ખાસ કરીને ઘણી જગ્યાએ વાહનચેકીંગના રીજસ્ટ્રર નિભાવવામાં આવતા ન હતા તેથી આ રજીસ્ટ્રર પણ યોગ્યરીતે નિભાવવામાં આવે જે વખતે ચેકીંગ કરવામાં આવ્યું હોય તે વખતે જ રજીસ્ટ્રરમાં એન્ટ્રી કરવા માટેની તાકિદ પણ કરાઇ હતી. 

City News

Sports

RECENT NEWS