દોઢ વર્ષ બાદ વિવિધ રમતો માટે ખેલાડીઓના સિલેક્શનનો પ્રારંભ

વડોદરાઃ કોરોનાના કારણે શિક્ષણની સાથે સાથે દોઢ વર્ષ સુધી રમત ગમત પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી.શિક્ષણકાર્ય તો ઓનલાઈન પણ ચાલુ થયુ હતુ.જ્યારે મેદાનોમાં તો અત્યાર સુધી કોઈને એન્ટ્રી અપાતી નહોતી.
હવે જોકે કોરોનાની અસર ઓછી થઈ હોવાથી યુનિવર્સિટીમાં રમત-ગમત પ્રવૃત્તિઓ ફરી શરુ થઈ છે.યુનિવર્સિટીના નવા બનેલા જિમ્નેશિયમ અને પેવેલિયન ખાતે વિવિધ રમતોની ટ્રેનિંગ તો શરુ કરી દેવામાં આવી છે અને હવે અલગ અલગ રમતો માટેના સિલેક્શનનો પણ દોઢ વર્ષ બાદ ફરી પ્રારંભ થયો છે.
મળતી વિગતો પ્રમાણે આગામી ટુર્નામેન્ટો માટે યુનિવર્સિટીની ક્રિકેટ ટીમની પસંદગી ૧૩ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન ડી એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવી છે.જેનો આજથી પ્રારંભ થયો હતો.દોઢ વર્ષ બાદ થઈ રહેલી પસંદગી પ્રક્રિયાને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે યોજાનારી વિવિધ ટુર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને પણ યુનવિર્સિટી દ્વારા ક્રિકેટની સાથે સાથે ખોખો-કબડ્ડી, હોકી સહિતની ૧૦ જેટલી અન્ય રમતો માટે પણ સિલેક્શન શરુ કરવામાં આવ્યુ છે.
યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સૂત્રોનુ કહેવુ હતુ કે, યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યોજાતી વિવિધ રમતોની અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લેવા માટે ૩૭ ટીમો મોકલવામાં આવતી હોય છે.કોરોનાના કારણે દોઢ વર્ષ સુધી સ્પોર્ટસ એક્ટિવિટીમાં બ્રેક પડી ગયો હતો.જોકે હવે ફરી ટીમોની પસંદગીની કાર્યવાહી શરુ થઈ ગઈ છે.વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે.પસંદગીની ૬૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.
આગામી દિવસોમાં ટીમોને કોચિંગ આપવાનુ શરુ કરાશે.વિવિધ સ્પર્ધાઓમાં યુનિવર્સિટીની ટીમોએ ભાગ પણ લેવા માંડયો છે.




