અમદાવાદમાં 'હોમ કર્વારન્ટાઇન' હેઠળ આવેલા કેટલાક પરિવારોને ભોજન પણ મળતું નથી !
- દૂધ, શાકભાજી, ભોજન ઘરે પહોંચાડવાનું કહી ગયા પછી કોઇ ફરકતું પણ નથી
- - 14 દિવસ ઘરમાં પુરાઇ રહેવાનું, પડોશીઓ દૂર ભાગે છે, તંત્ર મદદે આવતું ન હોવાની વ્યાપક ફરિયાદો
અમદાવાદ, તા.29 માર્ચ 2020, રવિવાર
અમદાવાદમાં 'હોમ ર્ક્વારન્ટાઇન 'થયેલા લોકોને સરકાર દ્વારા જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ લોકોને ઘરની બહાર ન નિકળવાની સુચના છે, તેમના ઘરની બહાર ' હોમ કર્વારન્ટાઇનના' બોર્ડ મારી દેવાયા છે. આ સ્થિતિમાં આજુબાજુના લોકો પણ ગભરાટના માર્યા તે ઘરો તરફ ફરકતા પણ નથી. તેવામાં દૂધ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓ અથવા તેના વિકલ્પમાં તૈયાર ભોજન આપવાની પણ તસ્દી વહિવટીતંત્ર દ્વારા લેવાઇ રહી ન હોવાથી 'હોમ કર્વારન્ટાઇન 'હેઠળ આવેલા લોકો કફોડી હાલતમાં મૂકાઇ ગયા હોવાનું જાણવા મળે છે.
અમદાવાદના ગોમતીવોર્ડમાં કામદાર રાજ્ય વીમા યોજનાની ઇએફઆઇએસની અમદાવાદ શહેરમાં રાજપુર-ગોમતીપુર જનરલ હોસ્પિટલના એક ડૉક્ટરને કોરોના પોઝિટિવ આવતા આખી હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે. તેમજ તેના ૮૦થી પણ વધુના સ્ટાફને ' હોમ કર્વારન્ટાઇન ' હેઠળ ધકેલી દેવાયો છે.
ગત તા.૨૬ માર્ચથી આ સ્ટાફ હોમ કર્વારન્ટાઇન હેઠળ હોવા છતાંય મોટાભાગના સ્ટાફને આજે તા.૨૯ માર્ચને રવિવાર સુધીના ચોથા દિવસે પણ દૂધ, શાકભાજી , કરિયાણું તેમજ ભોજન સહિતની ચીજવસ્તુઓ પુરી પડાઇ ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
આ અંગે આ હોસ્પિટલના હેડ નર્સ સીતાબહેન ચૌહાણના જણાવ્યા મુજબ તેઓને હોમ કર્વારન્ટાઇ હેઠળ મૂકતા પહેલા જરૂરી સુચનાઓ અપાઇ હતી. તેમાં ઘરની બહાર ન નીકળવું, લોકો સાથે એક મીટરના અંતરેથી વાત કરવી, ગ્લોબ્ઝ અને માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝરનો સતત ઉપયોગ કરતા રહેવાનું કહેવાયું હતું.
દૂધ, શાકભાજી અને ભોજનની વ્યવસ્થા માટે હેલ્પાલાઇન નંબર પર ફોન કરવાનું જણાવાયુ હતું. આ હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવ્યા કરે છે ફોન લાગતા પણ હોતા નથી. વારંવાર ફોન કરવા છતાંય આજદીન સુધી દૂધ, શાકભાજી કે કરિયાણું કે ભોજન તેઓના ઘરે આવ્યું નથી. આ સ્થિતિમાં આજુબાજુના લોકોને વિનંતીઓ કરીને તેની વ્યવસ્થા કરવા કહેવું પડે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલના મોટાભાગના લોકો સાથે આવું થઇ રહ્યું છે. તેમાંથી તો કેટલાક લોકોના ઘરની પણ મુલાકાત લેવામાં આવી નથી. હોમ ક્વારન્ટાઇનના પ્રથમ દિવેસે ઘરને સેનેટાઇઝ કર્યા બાદ હાથમાં પહેરવાના ગ્લોબ્ઝ, માસ્ક અને ૧૦ એમએલની સેનેટાઇઝરની બોટલ આપીને તેઓ જતા રહ્યા હતા.
ત્યાર બાદ કોઇ ફરક્યું જ નથી. આ સ્થિતિમાં હોમ કર્વારન્ટાઇન વાળા પરિવારો લાચારીની અને દયનીય સ્થિતિમાં ૧૪ દિવસનો પિરિયડ કાઢી રહ્યા છે.