કોલસાની જરૃરિયાત સામે માત્ર ૨૫ ટકા સપ્લાય આપવામાં આવતા હાલાકી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
કોલસાની તંગીને પરિણામે હવે પેપર ઉદ્યોગ પર પણ અવળી અસર પડી રહી છે. કોરુગેટેડ બોક્સ બનાવવા માટે બ્રાઉન પેપર બનાવતા પેપરના ઉત્પાદકોને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફી કોલસોનો સપ્લાય આપવામાં કરવામાં આવી રહેલા ધાંધિયાને પરિણામે પેપર ઉદ્યોગના ઉત્પાદનો ખોરવાઈ રહ્યા છે. કેમિકલના ઉત્પાદનમાં મોખરાના રાજ્ય ગણાતા કેમિકલ ઉદ્યોગ તથા ટેક્સટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગની હાલાકીમાં પણ કોલસાના અપૂરતા સપ્લાયને પરિણામે વધારો થઈ રહ્યો છે. દરેકે જીએમડીસીમાં વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. અન્યથા મોંઘાભાવે બહારથી કોલસા ખરીદવાની ફરજ પડી રહી છે. લિગ્નાઇટના ભાવ પણ છ માસમાં ૫૦ ટકા વધારી દેવાયા છે. લિગ્નાઇટનો ૨૩૦૦થી વધારો ૪૪૦૦ કરી દેવાયો.
છેલ્લા એક દોઢ વર્ષથી કોલસાનો પૂરતો સપ્લાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ઉત્પાદકોનું કહેવું છે કે તેમને જીએમડીસી તરફથી ફાળવી આપવામાં આવેલા કોલસાના માસિક ક્વોટામાંથી માંડ ૨૫ ટકા સપ્લાય જ આપવામાં આવી રહ્યો છે. આ કોલસા મેળવવા માટે તેમને અનેક ધક્કાઓ ખાધા પછી પણ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ તરફથી વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો જ નથી. પેપરને સૂકવવા માટે બોયલરની ગરમીનો વપરાશ થાય છે. બોયલર ચલાવવા માટે કોલસાની જરૃર પડે છે. કોરુગેટેડ બોક્સ બનાવવા માટે કાગળની જરૃરિયાત ફૂડની ડિલીવરી માટેના બોક્સ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પરિણામે તેની ડિમાન્ડ ખાસ્સી વધારે છે, પરંતુ સપ્લાય કરી શકાતો નથી.
પહેલા વરસાદની સીઝનમાં પાણી ઘૂસી ગયું હોવાનું જણાવીને સપ્લાય ઘટાડયો હતો. કેટલીકવાર ઇંટના ભઠ્ઠાવાળાઓને સપ્લાય આપીને પેપરના ઉત્પાદકોને ટટળાવ્યા હતા. કોલસાની ખાણો અમારી બંધ હોવાથી પણ સપ્લાય ઓછો છે. ઉમરસર, માતાના મઢ અને ભાવનગર ઉપરાંત રાજપારડીની કોલસાની ખાણોમાંથી કોલસો લાવવામાં આવે છે. પરંતુ ક્વોટા લેનારા વેપારીઓને પૂરતો સપ્લાય આપતા નથી. ક્વોટા પ્રમાણે માલ આપવામાં આવતો નથી, પરંતુ પાછલા બારણો જોઈએ તેટલો માલ આપી દેવામાં આવે છે. પરંતુ નાના વેપારીઓ તેના સપ્લાય વિના ટળવળી રહ્યા છે.
બીજીતરફ કોલસાના મોટા અને વગદાર વેપારીઓ રાજકીયનો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે પેદા થતાં કોલસાનો મોટો જથ્થો કોર્નર કરી લે છે. તેઓ સરકાર પાસેથી રૃ. ૪૦૦૦થી ૯૦૦૦ના ભાવે લઈને પછી ૧૨૦૦૦થી વધુના ભાવે કોલસો સપ્લાય કરે છે. તદુપરાંત તેના પર તેઓ ટ્રાન્સપોર્ટના અલગથી ચાર્જ પણ લે છે. આમ જીએમડીસી પર મોટા વગદાર બાયર્સની કાર્ટેલે વર્ચસ જમાવી લીધું છે. પરિણામે પેપરના ઉત્પાદકોએ તેમના કામકાજ ઘટાડવા પડી રહ્યા છે. તેમને તેમના કામદારોના પગાર ચૂકવવાના પણ ફાંફા પડવા માંડયા છે.
સામાન્ય રીતે કોલસામાં ભેજનું પ્રમાણ ૧૮ ટકાની આસપાસનું રહેતું હોય છે. અત્યારે જીએમડીસી દ્વારા અત્યારે આપવામાં આવતા ઇમ્પોર્ટેડ કોલમાં ૩૮ ટકા સુધી ભેજ જોવા મળે છે.




