વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૧૯૦.૧૮ કરોડનું બજેટ મંજૂરી માટે કોર્પો.ની સભામાં મોકલ્યું
કોર્પોરેશનની હદમાં ૧૧ ગામો જોડાતા ૧૬ શાળાઓનો સમિતિમાં સમાવેશ થતા ખર્ચ વધ્યો
વડોદરા,તા,22,જાન્યુઆરી,2020,,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ ૨૦૨૦-૧૫ નું રૃા.૧૯૦.૧૮ કરોડનું બજેટ મંજૂર કરીને સમિતિએ અંતિમ મંજૂરી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભામાં મોકલી આપ્યું છે.
વર્ષ ૨૦૧૯-૨૦ નું શિક્ષણ સમિતિનું બજેટ રૃા.૧૫૭.૯૨ કરોડનું હતું, પરંતુ સમગ્ર સભાએ રૃા.૧૫૬.૩૫ કરોડનું મંજૂર કર્યું હતું. વડોદરા શહેરની હદમાં નવા ૧૧ ગામોનો સમાવેશ કરવાને કારણે ૧૬ શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવાનું ધ્યાને લઇ રૃા.૧૪.૩૧ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
તા.૩૦-૯-૧૯ ની સ્થિતિએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૦૫ શાળામાં ૨૭૧૦૭ વિદ્યાર્થીઓ ૯૮૫ વર્ગમાં ભણે છે અને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૃા.૨૨૦૪૩ નો ખર્ચ થાય છે. પૂર્વ પ્રાથમિકતા ૭૫ વર્ગ છે અને તેમાં ૩૮૧૫ ભૂલકા આવે છે. ગયા વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૨૨૯૧ ઘટી છે. શિક્ષકોની સંખ્યા ૩૮ ઘટીને ૯૩૮ થઇ છે. પૂર્વ પ્રાથમિકતા વિદ્યાર્થીઓ ૧૯૬ ઘટયા છે. જેની સામે મહેકમ ખર્ચ સતત વધી રહ્યો છે. મહેકમ ખર્ચ વધી રહ્યો છે. પગાર, પેન્શન, મેડિકલ, એરિયર્સ વગેરે પાછળ ૧૪૨ કરોડ ખર્ચાય છે. આ વખતે બજેટમાં શાળા, કચેરી, ફર્નિચર, બેન્ચીસ માટે દોઢ કરોડ, સેનેટરી સાધનો અને સફાઇ આઉટ સોર્સિંગ માટે રૃા.૩૫ લાખ, સમિતિના બાળકોને નોટ બૂકો માટે રૃા.૪૦ લાખ, બાલવાડીના બાળકોના નાસ્તા માટે રૃા.૬૦ લાખ, બાળકોના પ્રવાસ માટે રૃા.૨૫ લાખ, રમતોત્સવ-રમતના સાધનો માટે રૃા.૩૫ લાખ, નવી બાલવાડી શરૃ કરવા અને ઓરડા અપગ્રેડેશન માટે રૃા.૫૦ લાખ, બાળમેળા માટે રૃા.૩૫ લાખ, બાળકો માટે ડ્રેસ-બૂટ- મોજા માટે રૃા.૨ કરોડ શાળાઓના રંગરોગાન માટે રૃા.૨ કરોડ, શાળાઓમાં ફાયર સેફ્ટી માટે રૃા.પાંચ કરોડ, સ્માર્ટ કલાસ માટે રૃા.૧ કરોડ, શૈક્ષણિક કિટ માટે રૃા. ૩૦ લાખની બજેટમાં જોગવાઇ કરાઇ છે.