ત્રણ હરખજીના અને બે દેવકરણના મુવાડા સહિત દહેગામમાં સાત કેસ
ગાંધીનગર,03 જુન 2020 બુધવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ આજે સાત કેસ પ્રકાશમાં આવ્યા છે. દેવકરણના મુવાડામાં બે જ્યારે હરખજીના મુવાડામાં ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. તો દહેગામ લવારચકલા વિસ્તારમાં રહેતાં 58 વર્ષિય પુરુષ તેમજ આ જ વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતો યુવાન પણ કોરોનામાં સપડાયો છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આજે નવા સાત પોઝિટિવ દર્દીઓ ઉમેરાતાં કોરોનાના કુલ 24 કેસ તાલુકામાં નોંધાયા છે. આ અંગે તાલુકા કચેરીમાંથી મળતી માહિતી પ્રમાણે હરખજીના મુવાડામાંથી ત્રણ પોઝિટિવ દર્દીઓ મળ્યાં છે. અગાઉ આ ગામમાંથી પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા ત્યારે હરખજીના મુવાડામાં રહેતા 78 વર્ષિય પુરુષને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ગામમાં કરીયાણાનો વેપાર કરતાં અને માલસામાન લેવા માટે દહેગામ આવતાં જતાં 24 વર્ષિય અને 20 વર્ષિય યુવાન પણ સંક્રમિત થયાં છે. તો નરોડામાં રહેતા અને દેવકરણના મુવાડા પોતાના વતન આવેલાં 65 વર્ષિય વૃદ્ધાનું અગાઉ મૃત્યુ થયું હતું. આ વૃદ્ધાને સારવાર માટે રીક્ષામાં અમદાવાદ લઇ જનાર બે યુવાન સંક્રમિત થયા છે.
દેવકરણના મુવાડામાં જ રહેતાં રપ વર્ષિય તથા 30 વર્ષિય એમ બે યુવાન પોઝિટિવ આવ્યાં છે. જ્યારે શહેરી વિસ્તારમાંથી પણ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. લવારચકલા કે જ્યાં અગાઉ પણ પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો. લવારચકલા વિસ્તારમાં રહેતી મહિલા અગાઉ પોઝિટિવ આવી હતી. ત્યારે તેના સંક્રમણથી તેના 58 વર્ષિય પતિ પણ ચેપગ્રસ્ત થયાં છે. જ્યારે આ વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતાં 40 વર્ષિય વેપારીનો રીપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ દહેગામમાં નવા સાત કેસ ઉમેરાતાં તાલુકામાં કુલ કેસની સંખ્યા 24 થઇ ગઇ છે. જેમાં ચાર મૃત્યુનો પણ સમાવેશ થાય છે.
લવારચકલા પાસે રહેતો 58 વર્ષિય પુરુષ અને મેડિકલ સ્ટોર ધરાવતો યુવાન પણ સંક્રમિત
ક્રમ ઉંમર પુરુષ/સ્ત્રી વિસ્તાર
1 78 પુરુષ હરખજીના મુવાડા
2 24 પુરુષ હરખજીના મુવાડા
3 20 પુરુષ હરખજીના મુવાડા
4 40 પુરુષ શ્રીનાથ બંગલોઝ
5 58 પુરુષ લવારચકલા
6 25 પુરુષ દેવકરણના મુવાડા
7 30 પુરુષ દેવકરણના મુવાડા