Get The App

આગામી બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવા ડિસેમ્બરથી સ્કૂલો ખોલવી જરૂરી બનશે

- ધોરણ 10-12ના લાખો વિદ્યાર્થીઓના

- દર વર્ષે ઓક્ટોબર પરીક્ષા ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે સ્કૂલો બંધ રહેતા ભરી શકાયા નથી

Updated: Oct 30th, 2020

GS TEAM

Google News
Google News
આગામી બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવા ડિસેમ્બરથી સ્કૂલો ખોલવી જરૂરી બનશે 1 - image


અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાનું દર વર્ષે બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં શરૂ કરી દેવાય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે સ્કૂલો જ બંધ હોવાથી ફોર્મ ભરવાનુ શરૂ થઈ શક્યુ નથી. જો કે બોર્ડ પરીક્ષા પણ માર્ચને બદલે હવે બે મહિના મોડી મેમાં લેવાનાર છે પરંતુ તેમ છતાં પરીક્ષા ફોર્મ ભરવાનું ડિસેમ્બરથી શરૂ કરવુ પડે તેમ છે.જેથી દિવાળી વેકેશન બાદ ધો.10-12ની સ્કૂલો ખોલવી જ પડે તેમ છે.

ધો.10, ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહના રેગ્યુલર તેમજ એક્સટર્નલ અને પુરક સહિતના મળીને દર વર્ષે રાજ્યમાંથી 17થી18 લાખ વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાય છે.

બોર્ડ દ્વારા ઘણા વર્ષોથી પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ કરાયુ છે પરંતુ પરીક્ષા ફોર્મ વિદ્યાર્થી સીધા પોતાની રીતે ઓનલાઈન ભરી શકતા નથી. વિદ્યાર્થીઓ પાસેથી ફોટા સહિતના તમામ આધાર પુરાવા  અને તમામ વિગતો  લઈને સ્કૂલ લેવલે ફોર્મ ભરાય છે અને આચાર્ય દ્વારા તમામ વિગતો ચેક કરી ફોર્મ સહી-સીક્કા સાથે માન્ય કરવામા આવે છે.

દર વર્ષે બોર્ડ દ્વારા દિવાળી પહેલા ઓક્ટોબરમાં જ ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાતુ હોય છે અને નિયત મુદત એક મહિનાની આપ્યા બાદ લેટ ફી સાથે બેથીત્રણ વાર મુદદત વધારાતી હોય છે જેથી ડિસેમ્બર અંતે કે જાન્યુઆરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ પુરી થઈ જતી હોય છે.જેથી લાખો વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા એકથી બે મહિનામાં ગોઠવ્યા બાદ માર્ચમાં પરીક્ષા લઈ શકાય. 

આ વર્ષે કોરોનાને લીધે સ્કૂલો જ બંધ છે જેથી વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ન જઈ શકતા હજુ સુધી ફોર્મ ભરાવવાનું બોર્ડે શરૂ કર્યુ નથી.બોર્ડ દ્વારા પરીક્ષા ફોર્મને લઈને હજુ સુધી કોઈ વિગત જાહેર કરાઈ નથી. પરંતુ હવે દિવાળી વેકેશન બાદ નવેમ્બર અંત સુધીમાં સ્કૂલો ખોલવી જ પડે તેમ છે.

સરકાર ધો.10-12ની સ્કૂલો પ્રાથમિક તબક્કે ખોલવાનું આયોજન પણ કરી રહી છે અને બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા માટે ધો.10-12ની સ્કૂલો ખોલી દેવી પડે તેમ છે. સ્કૂલો ખોલ્યા બાદ ડિસેમ્બરમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામા આવે તેવી શક્યતા છે.

સરકારના આદેશ મુજબ જિલ્લામાં સૂચનો લેવાયા 

સ્કૂલો શરૂ કરવા સંચાલકો સહમત પરંતુ કેટલીક મૂંઝવણો રજૂ કરી 

અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

સરકારના આદેશ મુજબ દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવા અભિપ્રાયો લેવા દરેક જિલ્લામા ડીઈઓ દ્વારા સંચાલકો,શિક્ષકો,વાલી મંડળો સાથે મીટિંગો કરવામા આવી રહી છે.ગ્રામ્ય ડીઈઓ અને સીટી ડીઈઓ દ્વારા સંચાલકો સાથે મીટિંગ કરી સૂચનો મંગાવાયા હતા.

જેમાં સંચાલકો દિવાળી બાદ પ્રાથમિક તબક્કે ધો.10-12 શરૂ કરવા સહમત છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના સંચાલકો સાથે તબક્કાવાર મીટિંગો બંને ડીઈઓ દ્વારા કરવામા આવી હતી .જેમાં શાળા સંચાલક મંડળે ડીઈઓને સૂચનો આપ્યા છે અને પોતાના અભિપ્રાયો જણાવ્યા છે.

સંચાલકો દિવાળી બાદ ધો.10-12ની સ્કૂલો શરૂ કરી દેવા માટે તૈયાર છે અને તમામનો સામાન્ય મત ધો.9થી12 અને ખાસ કરીને 10-12 શરૂ કરવા માટે છે પરંતુ બાળકોને સ્કૂલ વાહનમાં  કઈ રીતે લાવવા લઈ જવા તેમજ સેનેટાઈઝર-માસ્કની વ્યવસ્થા કઈ રીતે કરવી અને તેનો ખર્ચ  કોણ ભોગવશે.

રીશેષ રાખવી કે નહી રાખવી તે કેટલી રાખવી તે સહિતની મુંઝવણો પણ રજૂ કરી હતી. આ ઉપરાંત સંચાલકોએ ધોરણ-વર્ગ રોટેશન મુજબ એટલે કે એક દિવસ ધો.10 અને એક દિવસ ધો.9 અને એક દિવસ ધો.11 તથા એક દિવસ 12 ચલાવવામા આવે તેવો અભિપ્રાય પણ રજૂ કરાયો છે જેથી વિદ્યાર્થી સંખ્યા 50 ટકા થઈ જાય.

Tags :