વડોદરા,તા.13.ફેબ્રુઆરી,ગુરુવાર,2020
સરકારી કાર્યક્રમોના આયોજનમાં અત્યાર સુધી સરકાર શિક્ષકો અને આચાર્યોને કામે લગાડી દેતી હતી પણ આ વખતે હવે શાળા સંચાલકોનો સરકારે વારો કાઢ્યો છે.
૨૪ ફેબુ્રઆરીએ મોટેરાના નવા બનેલા સ્ટેડિયમમાં પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પનો એક કાર્યક્રમ યોજાનાર છે.કેમ છો ટ્રમ્પ...શિર્ષક હેઠળ યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે હવે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલકોને આદેશ અપાયો છે.
ડીઈઓ કચેરી દ્વારા વડોદરા શહેર અને વડોદરા તાલુકાની ૮૦ જેટલી સ્કૂલોના સંચાલકોને આ માટે પરિપત્ર પાઠવ્યો છે.જેમાં દરેક એસવીએસ( શાળા વિકાસ સંકુલ)ના ક્યુડીસી( ક્વોલિટી ડેવલપમેન્ટ સર્કલ) દીઠ ૨૫ સ્કૂલ સંચાલકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જણાવાયુ છે.શૈક્ષણિક સૂત્રોનુ કહેવુ છે કે, દરેક ક્યુડીસીમાં આઠ થી દસ જેટલી સ્કૂલો હોય છે અને દરેક એસવીએસમાં ૩ જેટલા ક્વોલિટી ડેવલપમેન્ટ સર્કલ છે.એ પ્રમાણે જોવામાં આવે તો ૮૦ જેટલી સ્કૂલોના ટ્રસ્ટી મંડળના બે સભ્યોને આ કાર્યક્રમમાં હાજર રહેવાનુ ફરમાન કરાયુ છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, દરેક સ્કૂલોને આજે ડીઈઓ કચેરીના અધિકારીઓએ ફોન કરીને આવતીકાલ સુધીમાં સ્કૂલ દીઠ સંચાલક મંડળના બે સભ્યોના નામ મોકલી આપવા માટે પણ કહ્યુ છે.આ શાળા સંચાલકોને બસ થકી આ કાર્યક્રમમાં મોકલવાની યોજના છે.કેટલાક સંચાલકોએ કાર્યક્રમમાં હાજર રહેવાની અનિચ્છા વ્યક્ત કરી ત્યારે કચેરીના અધિકારીઓએ તેમને કહ્યુ હતુ કે, અમને ગાંધીનગરથી આદેશ છે એટલે તમારે બે સભ્યોને તો મોકલવા જ પડશે.


