કોમર્સની ઉત્તરવહીઓ તપાસવા માટે બહારના અધ્યાપકોની અછત
વડોદરા,તા.10.ફેબ્રુઆરી,સોમવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરિણામમાં વિલંબના કારણે ફરી એક વખત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બીકોમની સાથે સાથે હવે એમકોમની ડિસેમ્બર મહિનામાં લેવાયેલી એન્ડ સેેમેસ્ટર પરીક્ષાના પરિણામોમાં પણ વિલંબ થઈ રહ્યો છે.એમકોમના અલગ-અલગ વિભાગોના અને વિવિધ પીજી ડિપ્લમોના પરિણામ પરીક્ષા લેવાઈ ગયાના ૬૦ દિવસ પછી પણ જાહેર થયા નથી.બીજી તરફ ૨૪ ફેબુ્રઆરીથી એમકોમના વિદ્યાર્થીઓની ઈન્ટરનલપ્રીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી છે.આજે કોમર્સ ફેકલ્ટીના ક્રિષ્ણા ગૂ્રપ દ્વારા વીસીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
બીજી તરફ ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ હતુ કે, એસવાય, ટીવાય, અને એમકોમના પેપરના બે હિસ્સા પૈકી એક હિસ્સો તપાસવા માટે અન્ય યુનિવર્સિટીઓના અધ્યાપકોને બોલાવવામાં આવે છે.પણ ઓડ સેમેસ્ટરની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે અન્ય યુનિવર્સિટીના અધ્યાપકોની સંખ્યા જરુર કરતા ૩૦ ટકા ઓછી હોય છે.ઓડ સેમેસ્ટરની પરીક્ષા બાદ આ સમસ્યા દર વર્ષે સર્જાતી થઈ ગઈ છે.કારણકે આ સમયગાળા દરમિયાન બીજી યુનિવર્સિટીઓમાં પણ પરીક્ષાઓ બાદ પેપર તપાસવાની કામગીરી ચાલતી હોય છે.આ સંજોગોમાં બહારના અધ્યાપકો પૂરતી સંખ્યામાં પેપર તપાસવા માટે આવી શકતા નથી.ઈવન સેમેસ્ટરની પરીક્ષા બાદે ઉનાળુ વેકેશન હોવાથી આ સમસ્યા સર્જાતી નથી.
તેમાં પણ આ વખતે બારકોડ સ્ટિકર લગાવવામાં પણ થયેલા વિલંબના કારણે પરિણામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.એમકોમની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી થઈ ગઈ છે પણ એસવાય અને ટીવાયની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી હજી પણ ચાલી રહી છે.