સિંધુભવન રોડ નજીક પોલીસે MLA GUJARAT લખેલી કાર જપ્ત કરી
ધારાસભ્યનો પુત્ર હોવાનું કહી રોફ જમાવ્યો
એસયુવી કારમાં લઇને જતા બે યુવકોએ પોલીસ સમક્ષ પણ દાદાગીરી કરવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદ,શનિવાર
સિંધુ ભવન થી એસપી રીંગ રોડ પાસે શુક્રવારે રાતના સમયે પોલીસે વાહનચેકિંગ દરમિયાન એમએલએ ગુજરાતનું બોર્ડ લગાવેલી એક કાર લઇને જતા બે યુવકોને ઝડપી લીધા હતા. યુવકે રોફ જમાવવા માટે કારમાં એમએલએ ગુજરાતનું બોર્ડ લગાવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારે રાતના સમયે સિંધુભવન રોડ તાજ હોટલથી એસ પી રીંગ રોડ તરફ જતા રસ્તા પર વાહનચેકિંગમાં હતો ત્યારે રીંગ રોડ પરથી સિંધુભવન રોડ તરફ જતી એક કાર પર એમએલએ ગુજરાતનું બોર્ડ લગાવેલું હતુ. જેથી પોલીસે શંકાને આધારે રોકીને કારચાલક યુવકની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે ધારાસભ્યનો પુત્ર છે. જો કે પોલીસને શંકા જતા વધુ તપાસ કરી હતી. પણ તે સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જે બાદ કારમાંથી લાકડાનો ડંડો પણ મળી આવ્યો હતો. પુછપરછ કરતા કારચાલક યુવકનું નામ ક્રિશ શૈલેષભાઇ પટેલ (રહે.ગોલ્ડ કોસ્ટ રેસીડેન્સી, એસપી રીેંગ, વસ્ત્રાલ) અને તેની સાથે વિશ્વ પટેલ (રહે.સ્વાગત પાર્ક સોસાયટી, વસ્ત્રાલ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે કાર જપ્ત કરીને ધારાસભ્યના પુત્રની ઓળખ આપીને રોફ જમાવનાર ક્રિશ અને તેના મિત્ર વિરૂદ્વ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

