સચિન ઠક્કર હત્યા કેસ: પાર્થ પરીખ અને વાસિક અજમેરી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો

- આરોપીઓએ હોટલના વેઇટરને પણ માર્યો હોય ઓળખ પરેડમાં પાર્થ અને વાસિકને ઓળખી બતાવ્યા
વડોદરા,તા.2 ઓગષ્ટ 2023,બુધવાર
ભાજપ કાર્યકર્તા સચિન ઠક્કર હત્યા કેસમાં પોલીસને વધુ એક સાક્ષી મળ્યો છે. સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કર ઉપર હુમલા અગાઉ આરોપીઓએ હોટલના વેઇટરને પણ માર્યો હોય ઓળખ પરેડમાં તેણે પાર્થ અને વાસિક ને ઓળખી બતાવ્યા છે. જેથી પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ વધુ એક મારામારી ધાક ધમકીનો ગુનો નોંધ્યો છે.
ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વડોદરામાં રહેતા પુનિતકુમાર ચૌધરી થાયમ એન્ડ વિકસ રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 25 જુલાઈના રોજ રાત્રે ટોપરાણી લેબ પાસેથી પસાર થતો હતો. તે સમયે હાથમાં લાકડી સાથે ઊભા રહેલ બે શખ્સોએ મારી ઉપર હુમલો કર્યો હતો. અને સાલે કો ખતમ કર તેમ જણાવી હુમલો કરી મને માર માર્યા પછી તે બંને સખશો અન્ય બીજા બે લોકો સાથે મારામારી કરતા હતા. જેથી હું ગભરાઈ મારો જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચે ઓળખ પરેડ કરાવતા તેઓ વાસિક ઉર્ફે સાહિલ અજમેરી અને પાર્થ બાબુભાઈ પરીખ હોવાનું બહાર આવ્યું હતું. આમ, અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી અંગેના આ બનાવમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે પોલીસે ત્રણેય આરોપીને સાથે રાખી સચિન ઠક્કર હત્યા કેસના ઘટના સ્થળે તપાસ કરતા હત્યાના બનાવમાં ઉપયોગ કરાયેલ ડાંગ મળી આવ્યું હતું. પોલીસે ડાંગ અને સ્કૂટર કબજે કરી તપાસ આગળ ધપાવી છે.

