હાલોલ હાલોલ નજીક આવેલ દેવડેમ ખાતે એક રિસોર્ટ દ્વારા બોટિંગ કરાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. જોકે, વડોદરાના હરણી બોટકાંડ પછી રાજ્ય સરકારે બોટિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાંય કઇ રીતે બોટિંગ કરાવવામાં આવ્યું. તે અંગે હજી તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ ઘટના અંગે મામલતદાર અને કાર્યપાલક ઇજનેર એકબીજાને ખો આપી રહ્યા છે.
ગુરૃવારની મોડી સાંજે હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં આવેલા દેવડેમ પાસેના ભમરીયા ખાતે કુદરતી નઝારો માણવા પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં કેટલાક પ્રવાસીઓ દેવ ડેમના પાણીમાં માં બોટિંગ કરવા ગયા હતા. પરંતુ, બોટ અધ વચ્ચે બંધ થઈ ગઇ હતી. તે સમયે ફંૂકાયેલા તેજ પવન અને વરસાદને કારણે બેકાબૂ બનેલી બોટ પાણીમાં દૂર સુધી જતી રહી હતી.
વડોદરા ખાતે હરણી બોટ કાંડ થયા બાદ રાજ્ય સરકારે બોટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઇ સ્થાનિક વહીવટી તંત્રે તપાસ શરૃ કરી છે. તંત્રે ભમરીયા ગામના તલાટી પાસે બનાવ અંગે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં તલાટીએ બોટિંગ થયું હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું. જોકે, હાલોલ મામલતદારે જણાવ્યું હતું કે, આ બાબતની આજ દિન સુધી કોઈ પરવાનગી અમારી પાસે માંગેલી નથી.
બોટિંગ દેવ ડેમમાં થયું હોવાથી નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ યોજના પેટા વિભાગ વાઘોડિયાના અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે બોટિંગ બાબતે તપાસ કરતા નાના ચાડવા ખાતે આવેલ એક રિસોર્ટ દ્વારા દેવ જળાશયમાં ગેરકાયદે બોટિંગ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રવાસીઓના જીવ જોખમે મૂકાયા હતા. રિસોર્ટ સંચાલકને કારણ દર્શક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. નોટિસમાં જણાવ્યંું છે કે, સરકારની પરવાનગી લીધા વિના લાયસન્સ વગર પ્રાઇવેટ બોટિંગ જાહેર જનતાના જોખમે ચલાવી શકાય નહીં. તે તાત્કાલિક બંધ કરવામાં આવે. આમ છતાં ગેરકાયદે બોટિંગ લીધે કોઈ જાનહાનિ થશે તો સઘળી જવાબદારી તમારી રહેશે. આ ઉપરાંત બોટિંગ ની પ્રવૃત્તિ કેટલા સમયથી ચલાવવામાં આવે છે અને કોઈ પરવાનગી લીધી છે કે કેમ ? જો પરવાનગી લીધેલી છે તો કોની પાસેથી લીધેલી છે. તેનો ખુલાસો બે દિવસમાં કરવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે, તંત્ર દ્વારા રિસોર્ટનું નામ છૂપાવવામાં આવી રહ્યું છે.


