વારેઘડીએ ડચકા ખાતુ જીએસટી નેટવર્ક સક્ષમ કરવા રજૂઆત
નેટવર્કના વાંકે પત્રકો અપલોડ થઈ શકતા નથી, વેપારીઓ વિના કારણે દંડાય છે
વડોદરા, તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર
વારેઘડીએ ડચકા ખાતા જીએસટીને પાર્કને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા ગુજરાતના વિવિધ ટેક્સ પ્રોફેશનલ્સ સંગઠનો દ્વારા શરૃ કરાયેલા આંદોલનના પ્રારંભે આજે કલેકટરને આવેદનપત્ર આપીને નેટવર્ક સુધારીને સક્ષમ કરવા રજૂઆત કરાઈ હતી.
ધી ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસિએશન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટસ, નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્સ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ, ટેક્સ એડવોકેટ એસોસિએશન ઓફ ગુજરાત, ઈન્કમ ટેકસ બાર એસોસિએશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસિએશન અમદાવાદ દ્વારા જીએસટી નેટવર્ક ચાલુ કરવાની માગ સાથે કલેકટર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવેદનપત્ર આપ્યું હતુ.
જીએસટીએન નેટવર્ક છેલ્લા ૩૦ મહિનામાં ક્યારેય પંદર દિવસ યોગ્ય રીતે ચાલુ રહ્યું નથી. નેટવર્ક યોગ્ય રીતે ન ચાલતુ હોવાના કારણે કર વ્યવસાયિકો અને વેપારીઓને સરકારની ભૂલ ના કારણે પેનલ્ટી ભરવી પડે છે. નેટવર્ક જ્યાં સુધી યોગ્ય રીતે ના ચાલે ત્યાં સુધી પેનલ્ટી વસૂલ નહી કરવા માગણી કરી છે.
વેપારીઓના ટર્નઓવર પ્રમાણે પત્રકો ભરવાની અલગ અલગ તારીખો આપેલી છે. તેમાં પત્રકો સમયસર અપલોડ કરી શકતા નથી.
અત્યાર સુધી જે વેપારીઓ એ તેમના પત્રકો મોડા અપલોડ કર્યા તેમની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારે વગર પેનલ્ટી પત્રકો ભરવાની છૂટ તા.૩૧-૦૩-૨૦૧૯ સુધી આપી હતી. જે વેપારીએ પત્રકો પેનલ્ટી સાથે ભર્યા છે તેઓને તે રકમ પરત આપવાના બદલે ઉપરથી આ વેપારીઓને જે તે તારીખથી ગ્રોસ ભરવા પાત્ર વેરા પર વ્યાજની મોટી રકમની ડિમાન્ડ નોટિસો આપવામાં આવી રહી છે. જે દાઝ્યા પર ડામ સમાન છે.
રાજસ્થાન અને ગૌહાટી હાઈકોર્ટે પત્રક-૯ અને ૯ સી અપલોડ કરવાની મુદત વધારવા માટેના આદેશો કર્યા છે. જે સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી હતી. અને પત્રક-૯ અને ૯સી મોડા અપલોડ થાય તો નેટવર્ક ના પ્રશ્નોના કારણે પેનલ્ટી નહિ લગાવવા આવેદનપત્રમાં કહ્યું હતુ.એપ્રિલ ૨૦૨૦ થી નવા પત્ર આવવાના છે. નેટવર્કની પરિસ્થિતિ યથાવત છે. આજે સિંગલ ઈંટરફિયન્સ અને કપ્લાયન્સિસ પણ થઈ શકતું નથી. એપ્રિલથી ડબલ ઈન્ટર ફિયન્સવાળી સિસ્ટમ આધારિત પત્રકો કેવી રીતે ભરી શકાશે તે સવાલ છે, તેવી રજૂઆત કરી જીએસટી નેટવર્ક કાર્યક્ષમ કરવા માગ કરી હતી.