રાખી એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ કંપનીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
પોલીસ ત્રણે આરોપીને લઇને આવતા લોકો ઉમટી પડયા ઃ અન્ય વિભાગના કર્મચારીઓ પણ રિકન્સ્ટ્રક્શનમાં જોડાયા
પાદરા તા.૧૮ જાન્યુઆરી, શનિવાર
પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ પ્રા.લી. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં છ વ્યક્તિના મોત થયા હતાં. આ બનાવમાં પોલીસે ત્રણની ધરપકડ કરી તા.૨૦ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. એઇમ્સ કંપનીની દુર્ધટનામાં પોલીસ ઘરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું.
એઇમ્સ ઈન્ડસ્ટ્રિઝ પ્રા.લી. કંપનીમાં ગત શનિવારે સવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં છ વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે અન્ય ચારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વડોદરાની ખાનગી દવાખાનામાં ખસેડાયા છે. જે સંદર્ભે વડુ પોલીસ મથકે એઈમ્સ ઓક્સિજન કંપનીના માલિક સહીત બે ડાયરેક્ટર તેમજ પ્લાન્ટ મેનેજર અને સુપરવાઈઝર મળી કુલ પાંચ સામે બેદરકારીની ફરિયાદ નોંધાતા પોલીસે કંપનીના ત્રણની ધરપકડ કરી છે.
આજે પોલીસ એઈમ્સ ઇન્ડસ્ટ્રિઝ પ્રા. લી.ના ધરપકડ કરાયેલા ડાયરેક્ટર સત્યકુમાર બાલ નાયર, પ્લાન્ટ મેનેજર અશોક અગ્રવાલ અને ઓપરેટર કમ સુપરવાઈઝર રાજુ રાઠવાને સાથે રાખી કંપનીમાં થયેલ બ્લાસ્ટ ની ઘટના સ્થળે લઇ ગઇ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતું. કંપનીમાં ગેરકાયદે ચાલતા ગેસ ફિલિંગ પ્લાન્ટમાં રિફિલિંગ સમયે જે બ્લાસ્ટની ઘટના બની તેની માહિતી મેળવી હતી. રિકન્સ્ટ્રકશન સમયે વડોદરા સેફટી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાનું નિરિક્ષણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે