Gujarat

શહેરીવિકાસ યોજના હેઠળ મામૂલી રકમ મળી, એ.એમ.ટી.એસ.ને વિકાસકાર્ય માટે માત્ર નામ પુરતી મળતી સરકારી સહાય

By GS Team
22 Feb 20221 min read
This article was originally published on 22 Feb 2022
શહેરીવિકાસ યોજના હેઠળ મામૂલી રકમ મળી, એ.એમ.ટી.એસ.ને વિકાસકાર્ય માટે માત્ર નામ પુરતી  મળતી સરકારી સહાય

  અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની દિન-પ્રતિદિન ખરાબ થઈ રહેલી હાલતમાં શહેરીવિકાસ યોજના હેઠળ વિકાસકામો માટે મળી રહેલી સરકારી સહાય પણ માત્ર નામ પુરતી આપવામાં આવી રહી છે.વર્ષ-૨૦૧૯-૨૦ના વર્ષમાં તો માત્ર પચાસ લાખની સહાય સરકાર તરફથી આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્ર દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા નિરવ બક્ષી તરફથી સંકલન વિભાગમાં માંગવામાં માહિતી અને આપવામાં આવેલા લેખિત જવાબ ઉપરથી આ બાબત બહાર આવવા પામી છે.મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને સ્વર્ણિમ જયંતી યોજના હેઠળ વર્ષ-૨૦૧૮-૧૯માં  અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને રાજય સરકાર તરફથી ૬.૦૪ કરોડની રકમ ગ્રાન્ટ પેટે મળી હતી.આ પૈકી વસ્ત્રાલ ડેપોમાં સિમેન્ટ કોંક્રીટ રોડ ઉપરાંત મણીનગર ટર્મિનસ ખાતે પ્રવાસીઓ માટે બસ શેલ્ટર, મેમ્કો ડેપો ખાતે આર.સી.સી.રોડ બનાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

વર્ષ-૨૦૧૯-૨૦માં  પચાસ લાખ રુપિયાની રકમ ગ્રાન્ટ પેટે સરકાર તરફથી આપવામાં આવી હતી.આ રકમ પૈકી નરોડા ટર્મિનસના રીનોવેશન પાછળ ૪૮ લાખની રકમ ખર્ચ કરવામાં આવી હતી.વર્ષ-૨૦૨૦-૨૧ના વર્ષમાં મિલ્લતનગર ખાતે આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૧૮-૧૯ના વર્ષમાં ૬.૦૪ કરોડ, વર્ષ-૨૦૧૯-૨૦માં પચાસ લાખ, વર્ષ-૨૦૨૦-૨૧ના વર્ષમાં ૫.૦૪ કરોડ અને વર્ષ-૨૦૨૧-૨૨ના વર્ષમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને સરકાર તરફથી ૨.૫૦ કરોડની રકમ એ.એમ.ટી.એસ.ને ગ્રાન્ટ પેટે આપવામાં આવી હતી.