કોરોના ઈફેક્ટઃ ફાર્મા કંપનીઓના ઉત્પાદનમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના
વડોદરા,તા.12.ફેબ્રુઆરી,બુધવાર,2020
ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારની અસર વડોદરાની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રિઝ પર પડવાના ભણકારા વાગી રહ્યા છે.જો કોરોના વાયરસની અસર ચાલુ રહી તો એકાદ મહિનામાં વડોદરામાં ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રિઝના પ્રોડક્શનમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ૬૦ થી ૭૦ જેટલી નાની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવેલી છે.જેમાં ૧૫થી ૨૦ પ્રકારના રોગો માટે અલગ-અલગ જાતની ૧૫૦ જેટલી દવાઓ બને છે.આ દવાઓ બનાવવામાં જે પણ કેમિકલનો ઉપયોગ થાય છે તે પૈકી ૮૦ ટકા ચીનથી આયાત થતુ હોય છે.
કોરોના વાયરસના કારણે આમાંના મોટાભાગના કેમિકલની આયાત હાલના તબક્કે બંધ થઈ ગઈ છે.કારણકે આ કેમિકલો જ્યાં બને છે તે ઔદ્યોગિક વિસ્તાર કોરોના વાયરસનુ એપિસેન્ટર મનાતા વુહાનની નજીક છે.અહીંયા તકેદારીના ભાગરુપે ઉદ્યોગો બંધ કરી દેવાયા છે.આ રિજનમાં ફરી ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ ફેબુ્રઆરીથી શરુ થવાનુ કહેવાઈ રહ્યુ છે.
વડોદરાની ફાર્મા ઈન્ડસ્ટ્રિઝના સૂત્રોનુ કહેવુ છે કે, ચીનમાં ફેબુ્રઆરીમાં સેલિબ્રેટ થતા ન્યૂ યરના કારણે ૧૦ દિવસ રજા રહેતી હોય છે.આમ ઘણી કંપનીઓએ પહેલેથી ૨૦ થી ૩૦ દિવસનો સ્ટોક તો કરી રાખ્યો હતો.પરંતુ જો હવે ૧૭ ફેબુ્રઆરી બાદ ચીનમાં ઉત્પાદન શરુ ના થાય અને એકાદ મહિનો હજી આ પરિસ્થિતિ લંબાય તો વડોદરામાં ફાર્મા કંપનીઓમાં દવાના પ્રોડક્શનમાં રો મટિરિયલના અભાવે ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.