ચંદ્રાલા પાસે બે કારમાંથી પોલીસે વિદેશી દારૂ પકડયો
- ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર
- અન્ય જિલ્લામાંથી આવતાં વાહનોને પોલીસ તપાસી રહી છે ત્યારે સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર,28 મે 2020 ગુરૂવાર
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાની સાથેસાથે પોલીસ વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂ પણ પકડી રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસેથી પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની ૧૭ બોટલ અને અન્ય એક કારમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ કબ્જે કરી બન્ને કારના ચાલકોની અટકાયત કરીને કુલ સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકડાઉનમાં આંશિક છુટછાટ બાદ દારૂની હેરાફેરી પણ વધી ગઈ છે ત્યારે પોલીસ દ્વારા અન્ય જિલ્લામાંથી આવતાં વાહનોને ગાંધીનગરની વિવિધ બોર્ડરો ઉપર તપાસવામાં આવી રહયા છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી વધુ જોવા મળતી હોય છે જેના કારણે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જયાં શંકાસ્પદ વાહનો ઉભા રાખીને તેની તપાસ કરાઈ રહી છે.
ગઈકાલે મોડી સાંજે હિંમતનગર તરફથી આવતી કાર નં.જીજે-ર૭-એએચ-૪૧૨૦ને પોલીસે ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતાં અલગ અલગ માર્કાની વિદેશી દારૂની ૧૭ બોટલ મળી આવી હતી. જેના પગલે પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળી ર.૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કારના ચાલક હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતા કૃણાલ રાજેન્દ્રભાઈ પટેલની અટકાયત કરી હતી તો અન્ય એક કાર નં.જીજે-૦૧-આરએક્સ-૫૧૧૯ને પણ પોલીસે ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે દોઢ લાખની કાર તેમજ દારૂ કબ્જે કર્યો હતો અને કારના ચાલક ચેનપુર નંદાનગર સોસાયટીમાં રહેતાં નિલેશકુમાર અશોકભાઈ સેનવાને પકડી તેમની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.