ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં ચાર્જશીટ ઝડપથી કરવા પોલીસની દોડધામ
રિમાન્ડ પરના આરોપીએ હત્યા સમયે પહેરેલું જેેકેટ પોલીસે કબજે કર્યુ ઃ આજે રિમાન્ડ પૂરા થશે
વડોદરા,ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ ૯ આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી પાડયા હતા. આ ગુનામાં સામેલ ૧૦ મા આરોપીએ હત્યા સમયે પહેરેલું જેકેટ પોલીસે કબજે કર્યુ છે. આ કેસની ચાર્જશીટ ઝડપથી થાય તે માટે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. ૧૭ મી ની રાતે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વિક્કી પરમાર નામના યુવક પર બાબર પઠાણે ચાકુથી હુમલો કરતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિક્કી પરમારની ખબર જોવા માટે તેના મિત્રો મિતેશ રાજપૂત, ધારક રાણા તથા ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર તપન પરમાર બાઇક લઇને સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ગયા હતા. અડધો કલાક સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા બાદ તેઓ કેન્ટીનમાં ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન માથાભારે બાબર પઠાણ, એક મહિલા તથા અન્ય હુમલાખોરો દોડી આવ્યા હતા. બાબર પઠાણે અગાઉ વિક્કી તથા ધર્મેશ સાથે થયેલી મારામારીની અદાવત રાખી હુમલો કર્યો હતો. બાબરે તપન પરમાર પર ચાકૂ વડે હુમલો કરી ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. તેની સાથે આવેલા અન્ય હુમલાખોરો પણ તપન પર તૂટી પડયા હતા. તપન પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક સારવાર વિભાગ તરફ દોડયો હતો. હુમલાખોરોએ તેનો પીછો કરી ફરીથી હુમલો કરતા તપન ત્યાં જ ઢળી પડયો હતો.આ ગુનામાં અગાઉ પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત ૯ ને પોલીસે ઝડપી પાડયા હતા. જેઓ હાલમાં જેલમાં છે. જ્યારે અન્ય એક આરોપી પણ ગુનો કર્યા પછી ઓળખાયો નહતો. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે તેની ઓળખ કરી હતી અને આરોપી આસિફખાન કરીમખાન પઠાણ ( રહે. શબનમ ચેમ્બર્સની સામે, નવાબવાડા ) ની ધરપકડ કરી ફર્ધર રિમાન્ડ પણ લીધા છે. આરોપીએ બનાવ સમયે પહેરેલું જેકેટ પોલીસે કબજે કર્યુ છે. આ ગુનામાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક માટે પોલીસે કાર્યવાહી શરૃ કરી દીધી છે. આ ગુનામાં હજી એફ.એસ.એલ.નો રિપોર્ટ બાકી છે. જે આવ્યા પછી અન્ય પુરાવાઓ એકત્રિત કર્યા પછી ચાર્જશીટ કરી દેવામાં આવશે.

