અંપાડમાં ઉદ્યોગપતિના બંગલામાં દારૃની પાર્ટીની શંકાએ પોલીસની રેડ
પાર્ટીમાં હાજર બિલ્ડરો, ઉદ્યોગપતિઓની બ્રેથ એનેલાઇઝરથી તપાસ ઃ પાર્ક કરેલી ગાડીઓમાં પણ ચેકિંગ
વડોદરા, તા.9 ફેબ્રુઆરી, રવિવાર
વડોદરા નજીક આવેલા અંપાડ ગામે ગઇકાલે રાત્રે ઉદ્યોગપતિના બંગલામાં દારૃની પાર્ટી ચાલે છે તેવા સંદેશાના પગલે જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. અખંડ ફાર્મહાઉસ જેવી ઘટનાની આશંકાના પગલે પોલીસે બંગલાના માલિક સહિત મહેમાનો તેમજ કેટરિંગના કર્મચારીઓની તપાસ કરી હતી તેમજ પાર્કિગમાં ગાડીમાં પણ તપાસ કરવા છતાં દારૃનો જથ્થો મળ્યો ન હતો તેમજ કોઇ દારૃ પીધેલું પણ જણાયું ન હતું.
આ અંગેની વિગત એવી છે કે નંદેસરીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપની ધરાવતા એક ઉદ્યોગપતિ અંપાડમાં થોડા સમય પહેલાં જ વૈભવી બંગલો બનાવીને રહેવા માટે આવ્યા છે. આ ઉદ્યોગપતિના ૫૮ વર્ષના પત્નીની ગઇકાલે બર્થ ડે હોવાથી સંબંધીઓ તેમજ મિત્રોની મર્યાદિત સંખ્યામાં હાજરીમાં ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીનર પાર્ટીમાં કેટલાક બિલ્ડરો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જો કે મોડી રાત્રે કંટ્રોલરૃમને સંદેશો મળ્યો હતો કે અખંડ ફાર્મ જેવી જ દારૃની પાર્ટીનું આયોજન થઇ રહ્યું છે.
આ સંદેશાના પગલે જિલ્લા પોલીસનો કાફલો ઉદ્યોગપતિના બંગલા પરપહોંચી ગયો હતો. પોલીસે ડિનર પાર્ટીમાં હાજર તમામ લોકોનો બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટ કર્યો હતો તેમજ પાર્ક કરેલી તમામ ગાડીઓ ચેક કરી હતી. પોલીસને દારૃની મહેફિલ જેવા કોઇ નિશાન મળ્યા ન હતા એટલું જ નહી પરંતુ કોઇ વ્યક્તિ દારૃ પીધેલી મળી ન હતી. અખંડ ફાર્મ જેવી દારૃની પાર્ટી પોલીસે ઝડપી પાડી છે તેવો સંદેશો ઉદ્યોગપતિઓ તેમજ બિલ્ડરોમાં વહેતો થતા અનેક લોકોના ફોન રણકતા થઇ ગયા હતાં એટલું જ નહી પરંતુ સ્થાનિક લોકો પણ ઉદ્યોગપતિના બંગલા પર પહોંચી ગયા હતાં.
પોલીસની એન્ટ્રીથી ડિનર પાર્ટીનો રંગ ઉડી ગયો હતો જ્યારે પોલીસ દ્વારા આખી રાત કાર્યવાહી કરવામાં આવતા અનેક લોકો પણ અટવાઇ ગયા હતાં. જો કે પોલીસને કશુ વાધાજનક નહી મળતા પોલીસ ચોપડે તેની કોઇ નોધ કરવામાં આવી નથી.