૫૬૯ વાહન માલિકોના લાયસન્સ રદ કરવા પોલીસની કાર્યવાહી
પેન્ડિંગ ઇચલણનો ૧૬ કરોડનો દંડ વસુલવા પોલીસે હાથ ધરેલી ક્વાયત
વડોદરા, તા. 12 ફેબ્રુઆરી, 2020 બુધવાર
જે વાહન ચાલકોના ૧૫ થી વધુ ઇ-ચલણ પેન્ડિંગ છે અને દંડની રકમ ભરી નથી તેવા ૫૬૯ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આર.ટી.ઓ ને જાણ કરવામાં આવી છે.
શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો નહી પણ વાહન માલિકો સામે ઇ-ચલણ ઇશ્યૂ થાય છે. જેના કારણે ઘણી વખત વાહન માલિકને ખબર પડતી નથી કે તેમનું વાહન લઇને જનાર મિત્ર ઓળખીતા કે અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે કે કેમ? આવા કિસ્સામાં વાહન માલિકના નામે ઇસ્યૂ થતા ઇચલણની સંખ્યામાં વધારો થતો જાય છે. શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના જણાવ્યા અનુસાર શહેરમાં ૧૬ કરોડ રૃપિયાનો દંડ વસુલવા માટેના ૨૧ હજાર વધુ ઇ-ચલણ પેન્ડીંગ છે. જેની વસુલાત માટે અલગ અલગ ટીમો બનાવીને ટ્રાફિક જંક્શન પર કામગીરી શરૃ કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી અઢી લાખ રૃપિયાનો દંડ વસૂલ કર્યો છે.
વધુમાં ૧૫ થી વધુ ઇ-ચલણ જે વાહન માલિકોના પેન્ડીંગ છે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કામગીરી શરૃ કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી૫૬૯ વાહન માલિકોના લાયસન્સ રદ કરવા માટે આરટીઓને જાણ કરી છે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું છે કે જે દંડ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસુલવામાં આવે છે તે રૃપિયામાંથી ટ્રાફિકના સાધનો ખરીદવામાં આવે છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે પણ આ દંડની રકમમાંથી જ ખર્ચ કરવામાં આવે છે.