રૃા.15 કરોડની ગ્રાન્ટ માટે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોમાં ખેંચતાણ,તા.12મીએ પોલીસ ગોઠવાશે
વડોદરા,તા.10 ફેબ્રુઆરી,2020,સોમવાર
વડોદરા જિલ્લા પંચાયતની આગામી તા.૧૨મીએ મળનારી ખાસ બજેટ સભા પહેલાં ગ્રાન્ટ વહેંચણીના મુદ્દે ભાજપ-કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો છે.
વડોદરા જિલ્લા પંચાયતના રૃા.૨૦.૦૫ કરોડના ખર્ચ વાળા બજેટને મંજૂર કરવા માટે મળનારી સભા પહેલાં વિકાસ કમિશનર દ્વારા મંજૂર કરાયેલી રૃા.૧૫ કરોડની ગ્રાન્ટની વહેંચણીના મુદ્દે ભાજપ-કોંગ્રેસના કુલ ૩૬ સભ્યોમાં ભારે ખેંચતાણ શરૃ થઇ રહી છે.
પંચાયતના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ભાજપના ટેકાથી પ્રમુખ બનેલા કોંગ્રેસના સત્તાધારી જૂથે કોંગ્રેસના ઉપપ્રમુખ અને તેમની સાથેના ૧૩ સભ્યોને ગ્રાન્ટ ફાળવવાનો ઇનકાર કરી દીધો છે.જેથી નારાજ કોંગી સભ્યોએ આજે પણ ડીડીઓ સમક્ષ રજૂઆત કરી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યોને સરખે ભાગે ગ્રાન્ટ આપવા માંગણી કરી હતી.
તો બીજીતરફ કોંગ્રેસના બળવાખોર જૂથને ટેકો આપનાર ભાજપના ૧૪ સભ્યોને પણ ભાગે પડતી આવેલી ગ્રાન્ટની રકમ ઓછી પડી રહી છે.આ સભ્યોએ પ્રદેશ મોવડીઓ સમક્ષ પણ રજૂઆત કરી છે.આમ,ગ્રાન્ટની વહેંચણીના મુદ્દે આગામી તા.૧૨મીની સભામાં ઉગ્રતા સર્જાય તેમ હોવાથી જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે.