મકરપુરા જીઆઈડીસીની ફેકટરીમાં ચોરીનો ગુનો ૮ મહિને દાખલ થયો
તરસાલી અને બગીચાના વિસ્તારની બે સોસાયટીમાં ચોરી
વડોદરા,તા,24,જાન્યુઆરી,2020,શુક્રવાર
મકરપુરા જીઆઈડીસીની ફેકટરીમાં ૮ મહિના પૂર્વે થયેલી ચોરીની ફરિયાદ ફેકટરી માલિકે આપી હોવા છતાંય માંજલપુર પોલીસે માત્ર અરજી સ્વરૃપે જ રાખી હતી. તાજેતરમાં આ ફેકટરીમાં ચોરી કરનાર આરોપી પકડાતા છેવટે પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે તરસાલી ગામ ઉમા ચોકમાં રહેતા કોકિલાબેન મનહરભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૧૯મી તારીખે ભાણેજ કનુભાઈના પુત્ર રિન્કેશનું લગ્ન હોવાથી કોકિલાબેન મકાન બંધ કરીને ભરૃચ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ૧૨ તોલાના સોના દાગીના, ચાંદીના ૨૦૦ ગ્રામના દાગીના, મળીને કુલ ૧.૩૬ લાખ રૃપિયાની મત્તા ચોરી ગઈ હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જયારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ મહેશ કોમ્પલેક્ષ પાસે નંદધામ સોસાયટીમાં રહેતા રાકેશ ચંદુભાઈ મિસ્ત્રીની મકરપુરા જીઆઈડીસીમાં વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની છે. જેમાં તેઓ ઈલેકટ્રીક ડાઈ બનાવવાનો ધંધો કરે છે. ગત તા.૬-૪-૨૦૧૯ના રાત્રે તેમની ફેકટરીમાંથી ચોર ટોળકી ૧,૮૮,૫૦૦ રૃપિયાનો સામાન ચોરી ગઈ હતી. જે તે સમયે ફેકટરી માલિકે આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસે અરજી સ્વરૃપે ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો ન હતો. પાંચ દિવસ પૂર્વે ડીસીબી પોલીસે ચોરને પકડતા આજરોજ ફેકટરી માલિકની અરજી સંદર્ભે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અન્ય એક બનાવમાં બગીખાના બરોડા સ્કૂલ પાસે રહેતા અને ઓર્થોપેડિક ઈ-પ્લાન્ટનો વ્યવસાય કરતા સમીર કિરણભાઈ રાવલ કલરકામના કોન્ટ્રાકટર નિરીન ત્રિવેદીને કલરકામ સોંપ્યું હતુ. તેમના ઘરમાં સામાન હહટાવતા સમયે ૨૮ હજાર રૃપિયાની ચોરી થઈ હતી. જે અંગે તેમને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.