સસ્પેન્ડ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પોલીસને મળતો નથી
દારૃના નશામાં સૈનિક ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં સ્ટાફના નિવેદનો લેવાયા
વડોદરા,વિવાદીત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ગુનો દાખલ થયા પછી ફરાર થઇ ગયા છે. પોલીસે તેમના ઘર તેમજ અન્ય સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહતો. તેનો મોબાઇલ ફોન ગઇકાલ સુધી ચાલુ હતો. જે સ્વીચ ઓફ થઇ ગયો છે.
મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશન નોકરી કરતા અમરસિંહ અક્ષયભાઈ ઠાકોેરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા. ૨૯ મી એ હું બોલેરો જીપમાં પાણી ભરાવાના કારણે પબ્લિકમાં એનાઉન્સ કરવા માટે ડ્રાઇવર દિનેશભાઈ સાથે બદામડી બાગ કંટ્રોલરૃમમાં આવ્યો હતો.તે દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ ગુરૃ શરણ બ્રહ્મભટ્ટ નશો કરીને આવ્યા હોય તેવું મને લાગ્યું હતું. તેમણે મારા પર હુમલો કરી ડાબી આંખ, કપાળ, લમણા પર, કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત બદામડી બાગથી મકરપુરા ફાયર બ્રિગેડ સ્ટેશન જવા સુધીના રસ્તામાં પણ મને માર માર્યો હતો. પાર્થ બ્રહ્મભટ્ટે મને જાનથી મારી નાખવાની ધમકી આપી મને મારવા માટે છૂટ્ટી બોટલ ફેંકી હતી. પરંતુ, હું હટી જતા બચી ગયો હતો. આ અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ, પાર્થ બ્રહ્મભટ્ટ હજી પકડાયો નથી. ગઇકાલ સુધી પાર્થનો મોબાઇલ ફોન ચાલુ હતો. પરંતુ, આજે તેનો મોબાઇલ પણ બંધ થઇ ગયો છે. પોલીસે તેના ઘર તેમજ અન્ય સ્થળે તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નથી.
પોલીસે સ્ટાફના છ થી સાત કર્મચારીઓના નિવેદનો લીધા છે. પોલીસનું કહેવું છે કે, સ્ટાફના કર્મચારીઓ બનાવને પચાસ ટકા સમર્થન આપી રહ્યા છે. હવે પોલીસ સાંયાગિક પુરાવાઓ મેળવી રહી છે. પોલીસે કંટ્રોલ રૃમમાંથી સીસીટીવીના ફૂટેજ પણ મળ્યા છે.