Gujarat

ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટેની PLI સ્કીમમાં અરજી કરવાની મુદત ૩૧ માર્ચ કરાઇ

By GS Team
16 Feb 20222 mins read
This article was originally published on 16 Feb 2022
ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટેની PLI સ્કીમમાં અરજી કરવાની મુદત ૩૧ માર્ચ કરાઇ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર

કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જાહેર કરેલી પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમની યોજના માટે અરજી કરવાની તારીખ ૧૪મી ફેબુ્રઆરી ૨૦૨૨થી લંબાવીને ૩૧મી માર્ચ ૨૦૨૨ કરી આપવાનો આજે નિર્ણય કર્યો છે. ટેક્સટાઈલ સેગમેન્ટના ઉત્પાદકોને રૃા. ૧૦,૬૮૩ કરોડોના લાભ આપતી આ યોજનાની  મુદત પહેલા  જાન્યુઆરીના અંતમાં પૂરી થવાની હતી તે વધારીને ૧૪મી ફેબુ્રઆરી કરવામાં આવી હતી. આ બીજીવાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયે આ યોજનાની મુદત લંબાવવાની આજે ફરીવાર જાહેરાત કરી છે. આ સ્કીમ માટે અરજી કરનારાઓને પાંચ વર્ષ સુધી તેનો લાભ આપવામાં આવશે. વિશ્વના બજારમાં ટેક્સટાઈલ અને તૈયાર વસ્ત્રોની કુલ થતી નિકાસમાં ભારતનો  હિસ્સો માત્ર પાંચ જ ટકાનો છે. પરંતુ માનવ સર્જિત રેસામાંથી તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોમાં ભારતની નિકાસ બહુ જ ઓછી છે. વિશ્વમાં તેનો વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે ભારતમાંથી થતી નિકાસ બહુ જ ઓછી હોવાનું જણાતા આ સ્કીમમાં વધુ લોકો ભાગીદાર બને તેવી અપેક્ષા સાથે ભારત સરકારે આ યોજનામાં અરજી કરવાની તારીખ લંબાવી આપી છે. 

મેન મેડ ફાઈબર-માનવ સર્જિત રેસામાંથી ભારતમાં નવા નવા વધુ પ્રોડક્ટ્સ તૈયાર થાય અને નિકાસ થાય તેવી ભારત સરકારની અપેક્ષા છે. આ યોજનામાં કોઈપણ કંપની, પેઢી કે લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ કંપની ભાગ લઈ શકે છે. કંપનીઝ એક્ટ ૨૦૧૩ની જગોવાઈ હેઠળ તેઓ માનવ સર્જિત રેસાંમાંથી નવા ઉત્પાદનો તૈયાર કરવા માટે અલગ એકમની સ્થાપના કરીને આ યોજનાન ોલાભ લઈ શકે છે. આ માટે તેમણે ઓછામાં ઓછું રૃા. ૩૦૦ કરોડનું મૂડીરોકાણ કરવાની શરત પીએલઆઈ-પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમમાં મૂકવામાં આવેલી છે. 

આ યોજનામાં ભાગ લીધા પછી એક જ વર્ષમાં તેનું ટર્નઓવર વધીને રૃા. ૬૦૦ કરોડને આંબી જાય તો જ તેમને આ યોજનાનો લાભ આપવાની આકરી શરત પણ મૂકવામાં આવી છે. તેથી તેમાં ભાગ લેતાં ઘણાં ખચકાઈ રહ્યા છે. તેથી પણ કદાચ સરકારને પૂરતા અરજદારો ન મળતા આ યોજનાની તારીખ લંબાવવાની જાહેરાત કરી હોવાની પણ શક્યતા છે. આ યોજના હેઠળ અરજી કરનારના પરફોર્મન્સનું પહેલું વર્ષ ૨૦૨૪-૨૫ ગણવામાં આવશે.